5 હજાર રૂપિયાની કૉફીમાં શું ખાસ છે?

શુક્રવાર, 12 જુલાઈ 2019 (18:29 IST)
એલેન લી

આગામી અઠવાડિયાઓમાં પનામાની ઍવૉર્ડ વિજેતા કૉફીની બોલી લાગશે ત્યારે સૌની નજર એના પર હશે કે કેટલો ઊંચો ભાવ બોલાયો. ગયા વર્ષે યોજાયેલી લીલામીમાં રેકર્ડ સર્જાયો હતો. કૉફીના ઉમદા દાણાનો ભાવ એક પાઉન્ડ (454 ગ્રામ)ના 803 ડૉલર ઉપજ્યા હતા. કૉફીની આ જાતનું નામ એલિડા ગીશા છે. મધ્ય અમેરિકામાં આવેલા પનામાના પશ્ચિમમાં આરક્ષિત જવાળામુખી જંગલની વચ્ચે આવેલા એક પરિવારની માલિકીના બગીચામાં આ કૉફી ઊગે છે.
 
ફક્ત 45 કિલો કૉફી હરાજીમાં મૂકાઈ હતી, જેને ખરીદવા માટે ચીન, જાપાન અને તાઈવાનથી ગ્રાહકો આવી પહોંચ્યા હતા.
એક ગ્રાહક અમેરિકાથી પણ આવ્યાં હતાં - લૉસ એન્જલસમાં આવેલી ક્લેચ કૉફી રેસ્ટોરન્ટનાં પ્રતિનિધિ. ક્લેચના પ્રતિનિધિએ 10 પાઉન્ડ કૉફી જ ખરીદી હતી. 'દુનિયાની સૌથી મોંઘી કૉફી' એવી રીતે તેનો ધૂમ પ્રચાર કર્યો અને એક કપના 75 ડૉલરનો ભાવ નક્કી કરીને ગ્રાહકોને તે કૉફી પીવડાવી હતી.
 
નાના ખેડૂતોને મદદ
 
'ઍલાયન્સ ઑફ કૉફી એક્સલન્સ' અમેરિકાના ઓરેગૉનમાં આવેલી સ્વંયસેવી સંસ્થા છે, જે દુનિયાભરના નાના ખેડૂતોને વિશિષ્ટ પ્રકારની કૉફી ઊગાડવામાં સહાયરૂપ થાય છે. સંસ્થાના મૅનેજિંગ ડાયરેક્ટર ડેરિન ડેનિયલ કહે છે, "આપણે જ્યારે ઉમદા વાઇન અને બ્રાન્ડી વિશે વિચારીએ છીએ ત્યારે કોઈ સંકોચ રાખતા નથી. તો પછી ઉચ્ચ કક્ષાની કૉફીને પણ એવું જ માન મળવું જોઈએ."
 
સામાન્ય રીતે મળતી કૉફીની કિંમત એક પાઉન્ડથી પણ ઓછી હોય છે. કૉફીનો પુરવઠો વધે, ત્યારે તેની કિંમત વધારે ઘટી જતી હોય છે. બ્રાઝીલ જેવા દેશોમાં કૉફીના બગીચા મોટા પ્રમાણમાં આવેલા છે. યૂરોપિય સંઘની કુલ આયાતની 29 ટકા કૉફી બ્રાઝીલથી જ આવે છે. કૉફી ઉગાડતા નાના ખેડૂતો માટે સ્પર્ધા કરવી કે ટકી જવું મુશ્કેલ હોય છે.
 
1990ના દાયકાના અંતિમ ભાગમાં મંદીના માહોલમાં સ્પેશ્યાલિટી કૉફી માટે સ્પર્ધા અને લીલામીનું આયોજન થવા લાગ્યું હતું.ડેનિયલનું કહેવું છે કે તેમનો ઇરાદો નાના ખેડૂતોની ઓળખ ઊભી કરવાનો અને તેમના માટે એક મંચ ઊભો કરવાનો છે. અમેરિકા, યૂરોપ, ઑસ્ટ્રેલિયા અને રશિયાના કૉફી ખરીદનારા એક જગ્યાએ એકઠા થઈ શકે તે માટે મંચ તૈયાર કરવાની તેમની ગણતરી છે.
 
આજે ડઝનબંધ સ્પર્ધા અને હરાજી યોજાય છે. ઍલાયન્સ ઑફ કૉફી એક્સલન્સ "ધ કપ ઑફ એક્સલન્સ"નું આયોજન કરે છે તેને "કૉફીની ઑલિમ્પિક" પણ કહેવામાં આવે છે. આ સ્પર્ધામાં દુનિયાના કૉફી ઉગાડતા 11 દેશો ભાગ લે છે.
"ધ બેસ્ટ ઑફ પનામા" સ્પર્ધામાં જ એલિડા ગીશા કૉફીને મેડલ મળ્યો હતો અને આ સ્પર્ધામાં પણ હવે દુનિયાભરના લોકોને રસ પડવા લાગ્યો છે.
 
જોકે, સ્પર્ધા જીતી જનારી દરેક કૉફીના એક પાઉન્ડના 803 ડૉલર મળે તેવું જરૂરી નથી હોતું. મોટા ભાગની સ્પર્ધાઓમાં સૌથી સારો સ્કોર કરી શકતી કૉફી પણ પાઉન્ડના એક ડૉલરના ભાવે જ વેચાતી હોય છે. ઘણી વાર અમુક કૉફીનો ભાવ 100થી 300 ડૉલર સુધીનો પણ ઉપજે છે.
 
શું કૉફી ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
 
સ્પેશ્યાલિટી કૉફી ઍસોસિયેશન ઑફ અમેરિકા (SCAA)ના ભૂતપૂર્વ ઍક્ઝેક્યુટિવ ડાયરેક્ટર રિક રેઇનહાર્ટ કહે છે, "ખેડૂતો અને ગ્રાહકો બંને માટે આ ફાયદાકારક છે."
 
"ખેડૂતોનું જીવન સુધરે છે અને ગ્રાહકો વધુ સારું ઉત્પાદન માણી શકે છે."
 
એલિડા ગીશા કૉફી પનામાના બોક્વેટે વિસ્તારના એક નાના બગીચામાં પાકે છે. લેમાસ્ટસ પરિવાર છેલ્લી ચાર પેઢીથી આ કૉફી ઉગાડતો આવ્યો છે. આ પરિવારના મહિલા વડાંનું નામ એલિડા હતું અને તેઓ જ બગીચાની સંભાળ લેતા હતાં.યુવાવયે તેમના પતિનું અવસાન થયું તે પછી તેમણે સમગ્ર પરિવારને સંભાળ્યો હતો. આમ તો આ કુટુંબ 100 કરતાં વધુ વર્ષોથી કૉફી ઉગાડે છે, પરંતુ એલિડા ગીશા પ્રકારની તેમની મોંઘી કૉફી નવા પ્રકારની છે.
 
લેમાસ્ટસ પરિવારના ચોથી પેઢીના કૉફી ઉત્પાદક વિલ્ફોર્ડ લેમાસ્ટસ જુનિયર કહે છે કે લાંબો સમય સુધી તેમના કુટુંબે સંઘર્ષ કરવો પડ્યો હતો અને નુકસાની પણ સહન કરવી પડી હતી.પોતાના ખેતરમાં તેઓ કૉફી ઉપરાંત ડુંગળી, બેરી અને તરબૂચ પણ ઉગાડે છે.
 
તેઓ કહે છે, " કોઈ પણ બુદ્ધિમાન માણસ કહેવાનો કે આમા તો નુકસાન થઈ રહ્યું છે, છોડો આ કામ."
 
પરંતુ કૉફી ઉત્પાદન છોડી દેવાના બદલે પરિવારે તેનું ઉત્પાદન બેગણું કરવાનું નક્કી કર્યું.
વિલ્ફોર્ડના પિતાએ સ્પેશિયાલિટી કૉફી ઍસોસિયેશન ઑફ પનામાની સ્થાપના કરવામાં ભૂમિકા ભજવી હતી.
કૉફી ઉગાડતા અન્ય ખેડૂતોને પણ તેમણે સાથે જોડ્યા અને "પનામાની શ્રેષ્ઠ" કૉફી માટેની સ્પર્ધાનું આયોજન કર્યું.
 
ભવિષ્યમાં શું વાહનો કોફીથી દોડશે?
 
2004માં એક મહત્ત્વનો વળાંક આવ્યો. હેસેન્ડા લા અસ્મેરાલ્ડા પ્રદેશના કૉફીના એક બગીચામાં ગીશા નામની દુર્લભ મનાતી કૉફીની જાત મળી આવી. તે વર્ષે યોજાયેલી સ્પર્ધામાં તે કૉફી સૌથી અલગ તરી આવી હતી અને તેનો ભાવ ત્યારે એક પાઉન્ડનો 21 ડૉલર ઉપજ્યો હતો. તે વખતે કૉફીની કિંમતનો એ નવો વિક્રમ હતો. બાદમાં લેમાસ્ટસ પરિવાર સહિત બીજા ખેડૂતો પણ ગીશા પ્રકારની કૉફીનું વાવેતર કરવા લાગ્યા.
 
કૉફીની આ જાતને ગેશા એવા નામે પણ ઓળખવામાં આવે છે. 1930ના દાયકામાં ઇથોપિયાના ગેશા પ્રદેશમાં સૌપહેલા તેને ઉગાડવામાં આવી હતી. 1960ના દાયકામાં તેના બીજ કોસ્ટા રિકાના રિસર્ચ સેન્ટર સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી બાદમાં પનામા સુધી પહોંચ્યા.
 
કૉફીની આ જાત કેટલાક રોગ સામે ટકી શકે તેવી હતી. જોકે, તેના છોડમાં કૉફી ઓછી થતી હતી અને તેનો સ્વાદ એટલો સારો પણ નહોતો.
 
વર્ષો સુધી તેમાં કોઈને રસ પડ્યો નહી. બાદમાં હેસેન્ડા લા અસ્મેરાલ્ડાના પીટરસન પરિવારે પોતાના બગીચાનું સર્વેક્ષણ કર્યું ત્યારે આ જાતની કૉફીના છોડ મળી આવ્યા હતા.
 
પરિવારે જોયું કે ઊંચાણવાળી જગ્યાએ આ છોડને વાવવામાં આવે તો તેનો સ્વાદ અનોખો થાય છે.
 
ફળ અને ફૂલોનો સ્વાદ
 
રેઇનહાર્ટ કહે છે, "એક સ્વાદિષ્ટ કૉફીમાં કોઈ એક કે બે પ્રકારના ફૂલ કે ફળના નોટ્સ ઉમેરવામાં ઘણી વાર આખું જીવન નીકળી જાય છે. પરંતુ ગીશા કૉફીમાં એકથી વધારે પ્રકારના ફળફૂલના નોટ્સનો આખો ગુલદસ્તો મળી આવે છે."
 
લેમાસ્ટસ પરિવારે પહેલીવાર 2006માં આ જાતની કૉફીના બી ખરીદ્યા અને તેને વાવ્યા.
 
કૉફીના છોડ તૈયાર થવામાં આઠ વર્ષ લાગ્યા. કૉફીની બીજી જાતના છોડ આના કરતાં ઘણી જલદી તૈયાર થઈ જતા હોય છે. લેમાસ્ટર પરિવારે બી વાવીને છોડ તૈયાર કર્યા તેમાંથી 20 ટકા છોડ નર્સરીમાંથી બગીચામાં વાવતી વખતે નાશ પામ્યા હતા. ઊંચી જગ્યાએ તેનું વાવેતર કરવાને કારણે પણ ઘણા છોડ સૂકાઈ ગયા.
લેમાસ્ટસ પરિવારનું ખેતર ફળદ્રુપ છે. જવાળામુખીના લાવામાંથી તૈયાર થયેલી માટીને કારણે તેમાં ખનીજ તત્ત્વો ભરપુર છે.
 
કેરેબિયન સમુદ્ર અને પ્રશાંત મહાસાગરની વચ્ચેના પર્વતીય પ્રદેશમાં બગીચો હોવાથી તેનો પણ ફાયદો મળે છે.
 
કૉફીના બીજ પસંદ કરીને તેને ઉગાડવામાં બહુ ધ્યાન આપવું પડતું હોય છે.
 
કાળજી સાથે ઉછેરવામાં આવે તો જ સારો સ્વાદ આવે છે.
 
65 હેક્ટરના બગીચામાંથી 20 ટકા હિસ્સામાં ગીશા કૉફી વાવવામાં આવી છે. તેનો વાવેતર હિસ્સો ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે.
 
2018માં લેમાસ્ટર પરિવારે ઉગાડેલી ગીશા કૉફીને તેની કેટેગરીમાં સ્પર્ધામાં જીત મળી હતી.
 
આ વર્ષે પણ પરિવાર બે સ્પર્ધા જીત્યું - એલિડા ગીશા નેચરલ અને એલિડા ગીશા વૉશ્ડ બંનેમાં જીત મળી.
 
આ વર્ષે જુલાઈમાં ઑનલાઈન હરરાજી યોજાશે ત્યારે આ બંને પ્રકારની 100 - 100 પાઉન્ડ કૉફી વેચાણમાં મૂકાશે.
 
ગયા વર્ષે યોજાયેલી 'બેસ્ટ ઑફ પનામા' સ્પર્ધાના નિર્ણાયકોમાં ક્લેચ કૉફીનાં રોસ્ટમાસ્ટર માઇકલ પેરીનો પણ સમાવેશ થતો હતો. આંતરરાષ્ટ્રીય જ્યુરીના સભ્યોએ કૉફી કઈ જાતની છે તે જાણ્યા વિના જ તેને ચાખી હતી અને 100માંથી દરેક જાતને ગુણ આપ્યા હતા.
 
પેરીએ એલિડા ગીશા નેચરલને 97 માર્ક્સ આપ્યા હતા.
 
પેરી કહે છે, "આજ સુધીમાં મેં જેટલી પણ કૉફી પીધી છે, તેમાં આ સૌથી ઉત્તમ છે." જોકે પેરી એવી શક્યતા પણ જુએ છે કે ભવિષ્યમાં આનાથી વધુ સ્વાદિષ્ટ કૉફી મળી આવી શકે ખરી.
 
પેરી પછી તાઇવાનના બ્લેક ગૉલ્ડ જેવા ગ્રાહકોએ સાથે મળીને કૉફીની બોલી લગાવી હતી. ટાઇમ ઝોનમાં ફરક હોવાના કારણે ઑનલાઇન હરરાજી મોડી રાત સુધી ચાલી હતી. આખરે સ્પર્ધામાં જીતેલા કૉફીને ખરીદ્યા પછી જ પેરી સુવા માટે ગયાં હતાં.
કૉફીના બી પનામાથી અમેરિકા લાવવા અને તેમાંથી કૉફી તૈયાર કરવાનો ખર્ચ ઉમેર્યા બાદ પેરીએ અનુમાન લગાવ્યું કે એક પાઉન્ડ કૉફીની કિંમત તેમને લગભગ 1000 ડૉલરની પડી હતી.
 
એક પાઉન્ડ કૉફીના બીજમાંથી લગભગ 80 કપ કૉફી બનાવી શકાય.ક્લેચના સંચાલકોએ આવી મોંઘી કૉફી વેચવા માટે તેનો સ્વાદ માણવાની વાતને એક અનુભવના રૂપમાં રજૂ કરી. તેમણે ખાનગી પાર્ટીઓમાં દુર્લભ કૉફી પીરસવાનું નક્કી કર્યું હતું. અહીં કૉફીનો સ્વાદ માણવાની સાથે ખાસ મહેમાનોને તે કૉફીની ઉત્પતિ વિશેની જાણકારી પણ પીરસવામાં આવી હતી.
 
ક્લેચના વાઇસ પ્રૅસિડેન્ટ અને SCAAના પણ પ્રમુખ તરીકે કામ કરતાં હીધર પેરી કહે છે, "કૉફી માટે ઊંચી કિમત ચૂકવનારા લોકો પણ જાણતા નથી હોતા કે તેઓ શા માટે આટલી ઊંચી કિમત ચૂકવી રહ્યા છે."
 
"મેં પણ કૉફીનો સ્વાદ માણ્યો"
 
ક્લેશના ગ્રાહકોમાં એક છે ડેનિયલ વાલ્શ. તેમણે ઊંચી કિંમત ચૂકવાની એલિડા ગીશા કૉફીનો સ્વાદ માણ્યો છે.
 
વાલ્શ કૉફીના શોખી છે. તેઓ પોતાની સાથે ગ્રાઇન્ડર અને કૉફીના બી રાખે છે, જેથી રોજ સવારે પોતાના માટે તાજી કૉફીનો કપ તૈયાર કરી શકે. 
 
તેઓ કહે છે, "રોજ કંઈ તમે 75 ડૉલરની એક કપ કૉફી ના પી શકો. જોકે તમે ઉમદા વાઇન અને વ્હિસ્કી માટે પૈસા ખર્ચતા હો છો. ઘડિયાળ અને શૂઝ માટે પણ તમે સારી એવી રકમ વાપરી નાખતા હો છો."
 
"મને કૉફી બહુ ભાવે છે અને મેં પણ આ કૉફી પીધી છે એવું હું કહી શકું એવી મારી ઇચ્છા હતી."
 
વાલ્શે ફળફૂળના અદભૂત સંયોજન સાથે બનેલી કૉફીને મજેદાર રીતે માણી. તેને માટે ચૂકવેલી ઊંચી કિંમત તમને વસૂલ થયેલી લાગી. 
 
તેઓ કહે છે, "તમે રોજેરોજ પીતા હો છો તે કૉફીમાં આવો સ્વાદ ક્યારેય ના મળે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર