5 વર્ષના બાળકે જ્યારે આખા ક્લાસને કોર્ટમાં નોતર્યો

સોમવાર, 9 ડિસેમ્બર 2019 (18:21 IST)
બાળક મિશેલ એના થનાર માતા-પિતા સાથે અને પાછળ એના કેજી વર્ગના મિત્રો કલ્પના કરો કે તમે ફક્ત 5 વર્ષના છો અને તમે તમારા કિન્ડરગાર્ડન એટલે કે કેજીના આખા ક્લાસને એક કોર્ટમાં હાજર રહેવા આમંત્રણ આપો છો.
 
હવે એ કલ્પનામાં થોડું ઉમેરણ કરો કે તમે 5 વર્ષના એક અનાથ બાળક છો અને તમે તમારા આખા ક્લાસરૂમને તમને કોઈ દત્તક લઈ રહ્યું છે એ નજરોનજર જોવા માટે અદાલતમાં બોલાવો છો.
 
આવી જ એક ઘટના અમેરિકામાં આવેલા મિશિગન રાજ્યમાં બની છે.
 
મિશિગનમાં 5 વર્ષીય બાળક જેને મિશેલ તરીકે ઓળખવામાં આવે છે.
 
તેમણે પોતાની કાયદેસરની દત્તકગ્રહણની પ્રક્રિયાનો ભાગ બનવા માટે આખા ક્લાસરૂમને અદાલતમાં આવવા આમંત્રણ આપ્યું અને સૌ હાજર પણ રહ્યાં.
 
 
'માઇકલ મારો બેસ્ટ ફ્રેન્ડ'
 
મિશિગનમાં આવેલા કેન્ટ કાઉન્ટીના ફેસબુક પેજ પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક બાળક અદાલતમાં એક મોટી ખુરશી પર તેને દત્તક લેનારાં માતા-પિતા સાથે બેઠેલો દેખાય છે.
 
આ છે પાંચ વર્ષનો માઇકલ જેને દત્તક લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
 
તેની પાછળ, તેના સહાધ્યાયીઓ કાગળના રંગીન હાર્ટ લહેરાવતા દેખાય છે.
 
અદાલતમાં સુનાવણી દરમિયાન દરેક બાળકે પોતાની ઓળખ જણાવી અને ત્યાં આવવાનું કારણ પણ જણાવ્યું હતું.
 
આ બધા પોતાના મિત્રને પરિવાર મળવાના અવસર પર તેને ટેકો આપવા હાજર થયા હતા.
 
સ્ટીવન નામના નાના બાળકે કહ્યું, "માઇકલ મારો બેસ્ટ ફ્રેન્ડ છે."
 
ક્રિસમસ માટેની સજાવટના સામનમાંથી બનેલો એક હાર પહેરીને આવેલી એક નાની બાળકીએ કહ્યું, "મારું નામ લીલી છે અને હું માઇકલને પ્રેમ કરું છું."
 
માઇકલના શિક્ષકે કહ્યું, "અમે સ્કૂલમાં આ વર્ષની શરૂઆત એક પરિવારના રૂપમાં કરી હતી. પરિવારમાં ડીએનએ એક હોય તે જરૂરી નથી, કારણ કે પરિવારનો મતલબ છે ટેકો અને પ્રેમ આપવો."
 
ઍડોપ્શન ડે
 
જ્યારે માઇકલને દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે તેના સહવિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો ખુશીથી ઝૂમી ઊઠ્યા.
 
ગુરુવારે કેન્ટ કાઉન્ટીનો વાર્ષિક ઍડોપ્શન ડે હતો. કેન્ટ કાઉન્ટીના ફેસબુક પેજ મુજબ કેટલાક પરિવારોએ પ્રેમથી 37 બાળકોને આધિકારિક રૂપે પરિવારમાં આવકાર્યાં હતાં.
 
એક સ્થાનિક નેટવર્ક મુજબ, જજ પેટ્રિશિયા ગાર્ડનરે કહ્યું, "ક્યારેક તેમના જીવનની સફર લાંબી હોય છે. જેમ કે તમે માઇકલને દત્તક લેવાની પ્રક્રિયા જોઈ. તેમાં આ લોકોએ તો જાણે જાદુ કર્યો અને પરિવાર તથા બાળક માટે ગજબનો ટેકો આપ્યો."
 
"તેમના કિંડરગાર્ડન ક્લાસ અને સ્કૂલે એવું કહ્યું કે અમે તને 'પ્રેમ કરીએ છીએ' અને 'અમે તને ટેકો આપીએ છીએ' તથા અમે આજે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ સાથ આપીશું."
 
અને જ્યારે કોર્ટની બહાર પાંચ વર્ષના માઇકલે કહ્યું, " હું મારા પિતાને પ્રેમ કરું છું!" ત્યારે તેના પિતાની આંખો ભીની થઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર