ભાજપ સરકારની એ નીતિ જેની સામે દેશભરમાં હડતાળ થવાની છે
રવિવાર, 1 ડિસેમ્બર 2019 (08:49 IST)
ઝુબૈર અહેમદ
બીબીસી સંવાદદાતા
દેશના લગભગ બધા જ કેન્દ્રીય અને સ્વતંત્ર મજૂરસંઘોએ નવા ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલની વિરુદ્ધ 8 જાન્યુઆરીના રોજ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. મજૂરસંઘોનો દાવો છે કે હડતાળમાં 25 કરોડ કર્મચારીઓ સામેલ થશે.
અખિલ ભારતીય બૅન્ક કર્મચારીસંઘના સી. એચ. વેંકટચલમ અને સીટૂના મહાસચિવ તપન સેને બીબીસીને જણાવ્યું કે આ બિલ ઉદ્યોગપતિઓ અને માલિકોના પક્ષમાં અને કામદારોના વિરુદ્ધમાં છે.
સી. એચ. વેંકટચલમે કહ્યું, "આ એક કામદારવિરોધી, ટ્રૅડ-યુનિયનવિરોધી અને લોકતંત્રવિરોધી પગલું છે."
તપન સેન કહે છે, "આ સરકાર શ્રમિકોને વેઠિયા મજૂર બનાવવા માગે છે, આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને તેઓ ખુલ્લેઆમ ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના નામ પર એવું કરે છે."
RSSના સંગઠને અંતર જાળવ્યું
આ મામલે RSS સાથે જોડાયેલા ભારતીય મજૂરસંઘના વિરજેશ ઉપાધ્યાયની પ્રતિક્રિયા કંઈક અલગ છે.
તેઓ કહે છે, "જો આ બિલથી સરકારી કર્મચારીઓને વેઠિયા મજૂર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો તેઓ પહેલાંથી જ વેઠિયા મજૂર છે કેમ કે આ બિલનો એક ભાગ તો ગત વર્ષે જ કાયદો બની ગયો હતો."
તેમના પ્રમાણે સંઘે 8 જાન્યુઆરીના રોજ યોજાનારી હડતાળને સમર્થન આપ્યું નથી. તેઓ કહે છે, "આ કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોની એક રાજકીય હડતાળ છે."
શ્રમમંત્રી સંતોષ કુમાર ગંગવાર પ્રમાણે બિલનો ઉદ્દેશ ઔદ્યોગિક સંબંધોને સુવ્યવસ્થિત કરવા અને વેપાર સૂચકાંક સહેલો બનાવવાનો છે.
આ બિલમાં શ્રમસુધારણાના ભાગરૂપે 44 શ્રમ કાયદાઓને ચાર લેબર કોડમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે જેમાં મજૂરી, ઔદ્યોગિક સંબંધ, સામાજિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પરંતુ ટ્રૅડ-યુનિયનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ બિલ દ્વારા નરેન્દ્ર મોદી સરકારે ફેકટરીઓ અને કંપનીઓ માટે રસ્તો સહેલો કર્યો છે અને તેનાથી જ કર્મચારી યુનિયનો માટે હડતાળ પર જવું મુશ્કેલ બનાવી દીધું છે.
સરકાર પાસે પરવાનગી લેવી નહીં પડે
બિલમાં એવો પણ પ્રસ્તાવ છે કે માલિક કોઈ મજૂરને કોઈ પણ સમયસીમા માટે નોકરી આપી શકે છે અને નોકરી પાછી લઈ પણ શકે છે.
જોકે, 100 કરતાં વધારે કર્મચારીઓ ધરાવતી કંપનીઓને બંધ કરવા અને તેનું વર્ગીકરણ કરવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવાની જરૂર પડશે.
પરંતુ આ બિલે રાજ્ય સરકારોને આ સીમાને ઘટાડવા અથવા વધારવા માટેની ઢીલ આપી છે.
સરકારનો પ્રસ્તાવ એવો હતો કે 100 કર્મચારીઓની સંખ્યાને 300 અથવા તેની ઉપર કરી શકાય છે. સરકારે મજૂરસંઘોના વાંધા બાદ તેનો બિલમાં સમાવેશ નથી કર્યો.
ભવિષ્યમાં આ પ્રસ્તાવને સામેલ કરી શકાય છે કેમ કે હવે જોગવાઈ એવી છે કે સરકાર ભવિષ્યમાં તેમાં કોઈ પરિવર્તન કરવા માગે તો સંસદમાં તેની મંજૂરીની જરૂર નથી.
ભારતીય મજૂરસંઘના વિરજેશ ઉપાધ્યાય આ જોગવાઈની વિરુદ્ધમાં છે.
તેઓ કહે છે, "હવે કાયદો એવો છે કે કોઈ ઉદ્યોગ કે ફેકટરીને બંધ કરવા માટે 100 અથવા તેના કરતાં વધારે કર્મચારી છે તો સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. સરકારે તેને વધારીને 300 કર્મચારીઓનો પ્રસ્તાવ રાખ્યો હતો. અમે તેનો વિરોધ કર્યો હતો."
"સરકારે તેને માની લીધો પણ તેની સાથે નવી જોગવાઈને જોડી દીધી છે જે યોગ્ય નથી."
તેના પર તપન સેને કહ્યું, "કાલે જો સરકારને તેમાં પરિવર્તન લાવવું હશે તો સંસદમાં આવવાની જરૂર નહીં પડે. સરકાર પોતાની મરજીથી એક ઑર્ડર પાસ કરીને પરિવર્તન કરી શકે છે. સરકારે વિધાનસભાની પ્રક્રિયાની મજાક ઉડાવી છે."
શ્રમમંત્રી ગંગવારનું કહેવું છે કે બિલ તૈયાર કરતા પહેલાં મજૂરસંઘો અને તમામ પક્ષકારો સાથે વાતચીત કરવામાં આવી છે કર્મચારીઓ અને મજૂરોના હિતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
સંસદમાં તેમણે કહ્યું કે આ બિલનો ઉદ્દેશ ફેકટરીઓ, ઉદ્યોગો અને તેમાં કામ કરતા લોકોની સુરક્ષા, વેતનમાં વધારો અને તેના માટે કામ કરતા સમયે સારો માહોલ બનાવવાનો છે.
પરંતુ તપન સેન કહે છે, "આ બધું ખોટું છે, આ બિલનું લક્ષ્ય છે કે મજૂરોના અધિકારોની છીનવીને તેમને વેઠિયા મજૂર બનાવવામાં આવે જેનાથી માલિકોને ફાયદો થાય."
પોતાની નારાજગી વ્યક્ત કરતા તેઓ આગળ કહે છે, "સરકાર માલિકોની છે, જનતાની નથી."
અખિલ ભારતીય બૅન્ક કર્મચારીસંઘના સી. એચ. વેંકટચલમના જણાવ્યા પ્રમાણે સરકાર મૂડીવાદીઓની સાથે છે જેમનો ઉદ્દેશ બેઈમાની કરવાનો છે.
બિલ લોકસભામાં પાસ થયા બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. સરકારને આશા છે કે બિલ જલદી કાયદાનું રૂપ લઈ લેશે. તપન સેનના કહેવા પ્રમાણે તેને લાગુ કરવું એટલું સહેલું નહીં હોય.
તેઓ કહે છે, "સરકાર કેવી રીતે સફળ થશે. ફેકટરીઓ પણ તો ચલાવવી છે. બધા ટ્રેડ-યુનિયન 8 જાન્યુઆરીના રોજ હડતાળ પર ઊતરી રહ્યા છે. ત્યારે તમને અમારી શક્તિનો અનુભવ થશે."
સરકારને લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ કરાવવા માટે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડે એવું કદાચ નહીં થાય.