ભાજપના 'બંગાળ બંધ' સામે ટીએમસીના વિરોધપ્રદર્શન, મંગળવારે નબન્ના અભિયાન દરમિયાન થઈ હતી હિંસા
બુધવાર, 28 ઑગસ્ટ 2024 (15:45 IST)
ભાજપના 12 કલાકના બંગાળ બંધની સામે સત્તારૂઢ તૃણમુલ કૉંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શન હાથ ધરવામાં આવ્યા છે, જેની અસર રાજ્યના અલગ-અલગ ભાગોમાં જોવા મળી રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, 24 પરગણામાં ભાજપના બંધના એલાનની સામે તૃણમુલ કૉંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતર્યા હતા અને થોડા સમય માટે ટ્રેનવ્યવહાર અટકાવ્યો હતો.
આ સિવાય કોલકતા, અલીપુરદ્વાર, સિલિગુડી, હૂગલી સહિતના વિસ્તારોમાં ભાજપના પ્રદર્શનકારી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું એજન્સી લખે છે.
બંધના એલાનને પગલે પશ્ચિમ બંગાળ તથા કોલકતા પોલીસ દ્વારા સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
કેટલાક વિસ્તારોમાં પથ્થરમારાથી બચવા માટે સરકારી બસોના ડ્રાઇવર હૅલ્મેટ પહેરીને ફરજ ઉપર પહોંચ્યા હતા.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં 31 વર્ષની વયનાં ટ્રેઈની ડૉક્ટર ઉપર બળાત્કાર અને બાદમાં હત્યાની ઘટના સામે મંગવારે નબન્ના (સચિવાલય) અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેને અટકાવવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તથા આંસુગૅસના ગોળા છોડવામાં આવ્યા હતા.
આના વિરોધમાં ભાજપ દ્વારા 12 કલાકના બંગાળ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
વિરોધપ્રદર્શન દરમિયાન હિંસા
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે, માર્ચ કાઢી રહેલા લોકો સૌથી પહેલાં સાંત્રાગાચી વિસ્તારમાં એકત્ર થયા હતા. ત્યારબાદ તેમણે કૉલેજ ચૉકથી રાજ્ય સચિવાલય તરફ માર્ચ શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે આ માર્ચને કાબુમાં લેવા માટે પોલીસને તહેનાત કરી હતી.
માર્ચમાં સામેલ પ્રદર્શનકારીઓ હાવડા બ્રિજ પર પોલીસ બેરિકેડની ઉપર ચઢીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. જોકે, કોલકતા પોલીસે હાવડા બ્રિજ પર માર્ચ કરી રહેલા લોકો પર આંસુ ગૅસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો હતો.
ઘણા વિદ્યાર્થીઓ અને નાગરિકો માર્ચમાં તિરંગો લઈને જોડાયા હતા અને તેઓ રાજ્ય સચિવાલય તરફ માર્ચ દરમિયાન સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા.
ભાજપનાં નેતા અગ્નિમિત્રા પોલનો આરોપ છે કે દેખાવકારો ઉપર કૅમિકલમિશ્રિત પાણી છોડવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે શાંતિપૂર્વક કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓને રોકવા માટે બળપ્રયોગ ન કરો.
તેમણે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણયની યાદ અપાવીને કહ્યું કે બહુમતી લોકતંત્રનો અવાજ બંધ ન કરી શકે.
કોલકતા પોલીસ દ્વારા કેટલીક તસવીરો બહાર પાડીને ચિહ્નિત કરેલા શખ્સો વિશે જાહેરજનતા પાસેથી માહિતી માગવામાં આવી છે. મંગળવારના દેખાવો દરમિયાન તેમણે હિંસા આચરી હોવાનું પોલીસનું માનવું છે.
આ પહેલાં કોલકતા પોલીસનાં ઍડિશનલ પોલીસ કમિશનર સુપ્રતિમ સરકારે સોમવારે કહ્યું હતું, “અમે પશ્ચિમબંગા છાત્ર સમાજની માર્ચ કરવાની પરવાનગી માગતી અરજીને રદ કરી છે. કારણ કે તેમણે આ માટે જરૂરી માહિતી આપી ન હતી.”
ભાજપે બુધવારે 12 કલાક માટે બંગાળ બંધનું એલાન કર્યું
વિરોધપ્રદર્શન તથા પોલીસની કાર્યવાહી બાદ ભાજપે બુધવારે બાર કલાક માટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “કોલકતામાં પોલીસ દ્વારા લાઠીચાર્જની તસવીરોને જોઇને લોકતંત્રના સિદ્ધાંતોને મહત્ત્વ આપનાર દરેક વ્યક્તિ નારાજ છે. દીદી (મમતા બેનરજી)ના બંગાળમાં, બળાત્કારી અને ગુનેગારોની મદદ કરવી મૂલ્યવાન છે, પરંતુ મહિલાઓની સલામતી માટે બોલવું એ ગુનો છે.”
સત્તાધારી પાર્ટી તૃણમુલ કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોતાના સત્તાવાર એકાઉન્ટ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે ભાજપે આ માર્ચનું આયોજન કર્યું છે.
પાર્ટીએ કહ્યું, “ભૂલ ન કરશો. આ માર્ચ ન્યાય માટે નહીં, પરંતુ ભાજપે આયોજીત કરેલ અરાજકતા છે. ભાડૂતી ગુંડાઓએ માર્ચમાં ભાગ લઈને બેરિકેડો તોડી પાડ્યાં અને પોતાની ડ્યૂટી કરતા પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો છે. બંગાળને અસ્થિર કરવા અને રાજ્યમાં અશાંતિ ભડકાવવા માટે આ ઇરાદાપૂર્વકનું ષડતંત્ર છે.”
ટીએમસીના મહિલા સંસદ સભ્ય મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “વિદ્યાર્થીઓ પોલીસ પર ઇંટો ફેંકી રહ્યાં છે. એસએચઓનું માથું ફાટી ગયું છે. ઘણા પોલીસકર્મીઓને ઇજા થઈ છે. અને ભાજપે પોલીસ અત્યાચારની વિરુદ્ધમાં બંધનું એલાન કર્યું છે. એ જ જુની પ્લેબુક. આ સામાન્ય લોકોની માર્ચ નથી. વિદ્યાર્થીઓ? મહિલાઓ? ગણ્યાગાંઠ્યા છે. ગુંડાઓનું ટોળું પોલીસ પર ઇંટો ફેંકી રહ્યું છે અને તેમને પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરી રહ્યું છે.”
શું છે સમગ્ર મામલો
કોલકતાની આર. જી. કર મેડિકલ કૉલેજનાં જુનિયર ડૉક્ટર નવમી ઑગસ્ટે નાઇટ શિફ્ટ કરતી વખતે ઇમારતના સેમિનાર હૉલમાં આરામ કરતાં હતાં ત્યારે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ શુક્રવારે સવારે સેમિનાર હૉલમાંથી મળ્યો હતો. તેઓ ભોજન કર્યા બાદ સેમિનાર હૉલમાં જ ઊંઘી ગયાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ, બળાત્કાર અને હત્યાની આ ઘટના રાતે ત્રણથી સવારે છ વાગ્યા વચ્ચે બની હતી.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સૂચવે છે કે પહેલાં મહિલા ડૉક્ટરની હત્યા કરવામાં આવી હતી અને પછી તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ, રવિવારે છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત મેડિકલ કૉલેજ ગયા હતા અને ત્યાં વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.
વિરોધપ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોને મળ્યા બાદ પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મૃતકના પરિવારજનોને સોંપી દેવાયો છે અને એ વિસ્તારમાં તહેનાત એક આસિસ્ટંટ પોલીસ અધિકારીને બેદરકારીને કારણે ફરજ પરથી હઠાવી દેવાયા છે.
હૉસ્પિટલના વહીવટી તંત્રએ પણ તેના બે કર્મચારીઓને ફરજમાં બેદરકારીને કારણે હઠાવી દીધા છે. એ બન્ને કૉન્ટ્રેક્ટ પર હૉસ્પિટલમાં કામ કરતા હતા.
પોલીસે શરૂઆતમાં આ ઘટનાને હત્યાનો મામલો ગણી હતી, પરંતુ પરિવારજનોના આગ્રહ પછી તેમાં બળાત્કારની કલમો પણ ઉમેરવામાં આવી હતી.
પીડિતાના પિતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, “મારી દીકરી ક્યારેય પાછી નહીં આવે, પરંતુ તપાસ યોગ્ય રીતે થવી જોઈએ.”