દેવ ડેમના ૬ દરવાજા આંશિક ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું

મંગળવાર, 12 જુલાઈ 2022 (14:55 IST)
પાણીની આવક વધતા હાલોલ તાલુકામાં આવેલાં દેવ નદી પરના દેવ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ગેટ નં.૨, ૩, ૬ અને ૭ ને ૧.૨ મીટર અને ૪ અને ૫ ને ૧.૫ મીટર જેટલા ખુલ્લા રાખીને ૨૪,૫૦૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
 
દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે.જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર કાંઠે આવેલા વડોદરા જિલ્લાના ગામોમાં એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળ પર ખસી જવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
 
જિલ્લા કલેકટર અતુલ ગોર દ્વારા આ અધિકારીઓને તકેદારીના તમામ પગલાં લેવા અને નદીકાંઠાના વિસ્તારોની નિરીક્ષણ  મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે. નદી કાંઠાના રહીશોને સાવધ કરવા અને અસરગ્રસ્ત થવાની શક્યતા વાળા તમામ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા જણાવવામાં આવ્યું છે.
 
લોકોને પણ ઢાઢર નદી કાંઠે ન જવા, તટમાં ઉપસ્થિત ન રહેવા,ઢોર ન ચરાવવા અને ભય જણાય તો સલામત સ્થળે ખસી જવા/ તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર