ભારતનાં અજબ-ગજબ કાયદાઓ, તમે નહીં માનો.....જે હજી પણ અમલમાં છે....

મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (14:39 IST)
તમે પતંગ ઉડાવ્યો હતો? તમે એના માટે પોલીસની પરવાનગી લીધી હતી? તમારી પાસે પતંગ ચગાવવાનું લાયસન્સ છે? આવા સવાલો પૂછી રહ્યા છીએ એટલે નક્કી અમારું ચસકી ગયું છે એવું તમે વિચારતા હશો પણ આવું અમે નથી કહેતા ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ ૧૯૩૪ કહે છે. જી હા, આ કાયદા (જે રદબાતલ થયો નથી અને હજુ અમલમાં છે) અનુસાર તમારે પતંગ તો શું પણ તમારા બાબા કે બેબી માટે ફુગ્ગો લઈને આકાશમાં ઉડાડવો હોય તોય એના માટે પરવાનગી જોઈએ. જો આવી પરવાનગી ન હોય તો પોલીસ ધારે તો તમારી ધરપકડ કરી શકે, કારણ કે આ કાયદા અનુસાર પ્લેન ઉડાડવા માટે જેવું લાયસન્સ જોઈએ એવું જ લાયસન્સ પતંગ કે ફુગ્ગો ઉડાડવા માટે અને વેચવા માટે પણ જોઈએ! જો કોઈ માથાફરેલ અમલદાર આવીને આ કાયદા અનુસાર ધરપકડ કરવા મંડી પડત તો અત્યારે અડધું ગુજરાત અને મુંબઈનાય ઘણા ગુજરાતીઓ જેલમાં ચક્કી પીસતા હોત!

આ કાયદો બીજા વિશ્ર્વયુદ્ધ વખતે બનાવવામાં આવ્યો હતો, કારણ કે એ વખતે ગુજરાત રાજ્યના આકાશમાંથી લોકો પત્રિકાઓ ફેંકીને સ્વાતંત્ર્યની લડત ચલાવતા હતા એટલે બ્રિટિશ સરકારે આ કાયદો ઘડ્યો હતો, પણ સ્વતંત્ર ભારતમાં હજુ આ કાયદો છે અને કોઈ ધારે તો એના પર અમલ કરીને આપણી બેન્ડ વગાડી શકે!

આવા અનેક ચિત્ર-વિચિત્ર અને મોં-માથા વિનાના કાયદાઓ વરસોથી ચાલતા જ આવે છે અને કોઈને એમાં સુધારાવધારા કરવાની કે નકામા કાયદાઓ ડિલીટ’ કરવાની આવશ્યકતા લાગતી નથી.

તમે રસ્તા પર ચાલતા જતા હો અને રસ્તામાં દસ રૂપિયાની નોટ પડેલી દેખાય તો તમે શું કરો? સામાન્યત: તમે આસપાસ નજર કરો. જો તમે સભ્ય, સંસ્કારી વ્યક્તિ હો તો એ દસ રૂપિયાનો કોઈ માલિક દેખાય તો તેને આપી દો અને આજુબાજુ કોઈ ન હોય તો તમે કદાચ એવું વિચારીને એને ગજવામાં સરકાવી દો કે કોઈ જરૂરિયાતમંદ અથવા તો કોઈ મંદિરની દાનપેટીમાં એ નોટ નાખી દેશો. પરંતુ જો આ રીતે રેઢી પડેલી દસ રૂપિયાની નોટ તમે તમારા ગજવામાં સરકાવી દીધી હોય તો પોલીસ તમને જેલભેગા કરી શકે. હા, માત્ર દસ રૂપિયાની રસ્તા પર પડેલી નોટ ઉપાડવાના ગુનાસર તમારી ધરપકડ થઈ શકે. શું કામ ખબર છે? કારણ કે ટ્રેઝર ટ્રોવ્હ એક્ટ ૧૮૭૮ કાયદા અનુસાર દસ રૂપિયાનો એ ખજાનો હજુ પણ બ્રિટનની રાણીની માલિકીનો છે! આ કાયદો હજુ આજે પણ અસ્તિત્વમાં છે.

લગ્નગાળો ચાલી રહ્યો છે. તમારા દીકરા, દીકરી, પૌત્ર, પૌત્રી કે પરિવારના કોઈ સભ્યના લગ્ન હોય અને તમે લગ્ન પહેલાં ઉજવણી કરવા માટે સંગીત કે દાંડિયારાસનો કાર્યક્રમ રાખ્યો હોય એવું બની શકે. સગાંવહાલાઓ અને પરિવારજનો ડાન્સ ફ્લોર પર નાચી રહ્યા હોય, કાકા-કાકી, મામા-મામી, બેન-બનેવી, ભાઈ-ભાભી કે તમારા યુવાન સંતાનોના ગર્લફ્રેંડ-બોયફ્રેંડ્સ એમ કુલ મળીને દસથી વધુ કપલ ડાન્સ કરી રહ્યા હોય તો પોલીસ તમારી અને તેમની પણ ધરપકડ કરી શકે એવો કાયદો છે. જી હા, આ કાયદાનું નામ છે પ્રિવેન્શન ઓફ સિડિશસ એક્ટ ૧૯૧૧. જેમાં તમારે આવા કોઈ પણ મેળાવડા કરવા હોય અને જ્યાં દસથી વધુ કપલ્સ ડાન્સ કરવાના હોય તો તમારે ત્રણ દિવસ અગાઉ પોલીસ કમિશનર અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવી જોઈએ.

તમારા દાંત ચકચકિત અને સફેદ રંગના ન હોય તો તમને મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટરની નોકરી ન મળી શકે એવી કાયદામાં જોગવાઈ છે. બોલો, મોટર નિરીક્ષકના દાંત અને આ નોકરી સાથે શું સંબંધ? શક્ય છે કે ચકચકિત દાંત જ હોવા જોઈએ એવા કોઈ ભેજાગેપે આ કાયદો બનાવ્યો હોય અને એ હજુ પણ આંધ્ર પ્રદેશમાં અસ્તિત્વમાં છે!

આવો જ એક અજીબોગરીબ કાયદો દિલ્હીમાં છે. તમે દિલ્હીના રહેવાસી હો તો સરકાર તમને અડધી રાતે પણ ઢોલ-નગારાં પીટવા માટે બોલાવી શકે અને જો તમે ના પાડો તો એના માટે તમને ૫૦ રૂપિયાની માતબર રકમનો દંડ ભરવો પડે! ઇસ્ટ પંજાબ એગ્રિકલ્ચરલ પેસ્ટસ, ડિસીઝ એન્ડ નોક્સિયસ વિડ્સ એક્ટ ૧૯૪૯ હેઠળ જો તમે એ રકમ ન ભરો તો તમને ૧૦ દિવસની જેલ પણ થઈ શકે! આવો ચિત્ર-વિચિત્ર કાયદો કોણે અને શું કામ બનાવ્યો હશે એવો સવાલ થતો હોય તો એનો જવાબ એ છે કે એક જમાનામાં દિલ્હીમાં અને આસપાસના વિસ્તારમાં તીડના ધાડાંને ધાડાં ઊતરી આવતા હતાં. તેમને ભગાડવા માટે ઢોલ-નગારાં પીટવામાં આવતા હતા અને એ માટે નાગરિકોની મદદ લેવી પડતી હતી. આજે તીડનું નામોનિશાન નથી અને તીડનાં ધાડાંની જેમ માણસો ઊતરી આવ્યા છે ત્યારે આ કાયદાની શું જરૂરત છે એવો પ્રશ્ર્ન કોઈ પૂછતું નથી.

કેટલાંક આખાને આખા કાયદાઓ તો કેટલાક કાયદાઓની આવી જ ચિત્ર-વિચિત્ર જોગવાઈઓ ખડકાયેલી પડી છે. જેમ કે, ૨૦૧૩ના જુલાઈ મહિનામાં છેલ્લો ટેલિગ્રામ રાહુલ ગાંધીને મોકલવામાં આવ્યો ત્યારબાદ ટેલિગ્રાફ જેને આપણે સાદી ભાષામાં તાર કહેતા હતા એ સેવા બંધ થઈ ગઈ છે પણ હજુય ટેલિગ્રાફ વાયર્સ એક્ટ ૧૯૫૦ અસ્તિત્વમાં છે!

તમે ભરબપોરે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો અને કોઈ હોટલમાં જઈને પીવાનું પાણી માગો અને એ હોટલવાળો જો તમને ધૂત્કારી કાઢે તો તમે તેના પર કેસ કરી શકો. ૧૪૫ વર્ષ જૂનો ધ સરાઈ એક્ટ ૧૮૬૭ આજે પણ અસ્તિત્વમાં છે. એક જમાનામાં જ્યારે હોટલોનું ચલણ નહોતું અને લોકો સરાઈ એટલે કે ધરમશાળામાં જ ઊતરતા તેમ જ પાણી માટેની વ્યવસ્થા નહોતી ત્યારે આ કાયદો હતો જે મુજબ રાહગીરને પાણી આપવું સરાઈઓ માટે ફરજિયાત હતું. ધરમશાળાઓ ગઈ, હોટલો આવી, મિનરલ વૉટરના બાટલાઓ આવી ગયા પણ આ કાયદો હજુ એમનો એમ જ છે અને નવાઈની વાત તો એ છે કે કેટલાક કાયદાબાજ લોકો આ કાયદાનો ઉપયોગ કરીને હોટલના માલિકોને પરેશાન પણ કરે છે!

આવા બધા અજબ-ગજબ કાયદાઓની યાદી કરવા બેસીએ તો કદાચ આખો ગ્રંથ લખાય પણ અહીં નમૂનારૂપ થોડાક મજેદાર કાયદાઓ અને જોગવાઈઓ આપીએ છીએ.

-કોઈ સાથે એવી મજાક કરો કે જેનાથી તેનું ૫૦ રૂપિયાનું નુકસાન થાય તો આઈપીસી હેઠળ બે વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે!

- દસ રૂપિયા કે એનાથી અધિક રૂપિયાની કીમત ધરાવતા પ્રાણીની હત્યા કે કનડગત પણ કરો તો તમને બે વર્ષની શિક્ષા થઈ શકે. જો ૫૦ રૂપિયા જેટલી (અધધધ!) કીમતના હાથી, ઊંટ, બળદ, ઘોડા કે ગધેડાની હત્યા કરો તો પાંચ વર્ષની સજા અને સો રૂપિયાનો દંડ થઈ શકે!

-આપણે ભલે ટેક્નોલોજી અને ડિજિટલ યુગની વાતો કરતા પણ કાયદા અનુસાર દરેક કારખાનામાં આગ લાગે તો એ બુઝાવવા માટે લાલ રંગની બાલદીમાં પાણી ભરી રાખવું ફરજિયાત છે અને અગ્નિશામક રેતી પણ હોવી જોઈએ એવી કાયદામાં જોગવાઈ છે.

- ઇન્ડિયન એરફોર્સમાં નોકરી માટે તમારી પાસે બધી જ આવડત અને સર્ટિફિકેટ હોય પણ જો તમારા પગ સહેજ ટૂંકા હોય તો તમને નોકરી મળી શકે નહીં એવી જોગવાઈ છે.

-વસતિવધારા પર નિયંત્રણ રાખવા માટેનો કાયદો ફક્ત ચીનમાં જ નહીં, કેરળમાં પણ છે. આ કાયદા અનુસાર જો બેથી વધુ બાળકો જન્મે તો ત્યારપછીના દર બાળકદીઠ મા-બાપે દસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડે એવી જોગવાઈ છે.

અમારા એક મિત્રના વયોવૃદ્ધ વડીલને જ્યારે એક કેસ માટે વિના કારણ કોર્ટના ધક્કા ખાવા પડતા હતા ત્યારે તેમણે કંટાળીને કોર્ટમાં ન્યાયાધીશને કહી દીધું હતું કે તમારો કાયદો ગધેડો છે! એ વ્યક્તિની ઉંમરને લક્ષમાં લઈને જાહેરમાં અને એ પણ કોર્ટરૂમમાં આવું બોલવા માટે કામ ચલાવ્યું નહોતું પણ આવા બધા ચિત્ર-વિચિત્ર કાયદાઓ વિશે જાણીએ ત્યારે તે વડીલની વાત સાચી લાગે.

જોકે મોદી સરકારે ૧૮૭ નક્કામા અને બિનજરૂરી, આઉટડેટેડ કાયદાઓ રદ કરીને સાફસૂફી કરવાનું અભિયાન જાહેર કર્યું છે. આ સિવાય પણ નિવૃત્ત ન્યાયમૂર્તિ અજિત શાહના વડપણ હેઠળ એક સમિતિ રચીને આવા કાયદાઓ કાં તો સમૂળગા કાઢી નાખવા અથવા એમાં જરૂરી ફેરફાર કરવાનું કામ શરૂ કર્યું હોવાની જાહેરાત કરી છે. આવતા પાંચ વર્ષમાં મોદી સરકાર ગંગા નદી કે હિંદુસ્તાન આખું ચોખ્ખુંચણાક કરી શકશે કે નહીં એ અંગે આશંકા છે, પણ કમસે કમ આવા નક્કામા કાયદાઓને પણ દૂર કરે તો એ સ્વચ્છતા અભિયાનનો જ એક ભાગ ગણી શકાય.

વેબદુનિયા પર વાંચો