અમદાવાદમાં બંધ મકાનમાંથી એક જ પરિવારના 6 લોકોના મૃતદેહો મળતાં ખળભળાટ

શુક્રવાર, 19 જૂન 2020 (13:47 IST)
અમદાવાદ શહેરમાં આજે હચમચાવી દેતો બનાવ બનવા પામ્યો છે. જેમાં એક બંધ મકાનમાંથી એક જ પરિવારના છ લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં બે પુરુષ અને ચાર બાળકો સામેલ છે. બાળકોની ઉંમર સાત વર્ષથી 12 વર્ષ છે. જ્યારે અન્ય મૃતકોની ઉંમર 42 અને 40 વર્ષ છે. પોલીસે આ મામલે એફએસએલની ટીમની મદદ માંગી છે. પ્રાથમિક તપાસ માટે બે સગાભાઈઓ પોતાના ઘરેથી બાળકોનો લૉંગ ડ્રાઇવ પર લઇ જવાનું કહીને નીકળ્યા હતા. જે બાદમાં તમામના મૃતદેહ એક બંધ મકાનમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે વટવા અને હાથીજણ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ બંને 17મી જૂનના બપોરના સમયે તેમના બાળકોને લોંગ ડ્રાઈવ પર લઈ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન આવતા બંનેનાં પત્નીએ આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી. બંને ભાઈઓની કોઈ ભાળ ન મળતાં અંતે બીજે દિવસે રાત્રે તેઓ તેમના જૂના મકાન કે જે છ મહિના પહેલા ખાલી કર્યું હતું ત્યાં તપાસ કરવા માટે ગયા હતા. અહીં તેમની કાર મળી આવતા જ બંને ભાઈઓ બાળકો સાથે અહીં આવ્યા હોવાની આશંકા પ્રબળ બની હતી. ઘરમાં તપાસ કરતા ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી તરત જ તેમના પત્નીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરીને ઘરનો દરવાજો તોડતા બે ભાઈઓ અને ચાર બાળકોનાં મૃતદેહ મળી આવ્યા છે.બંને ભાઈઓ કાપડનાં વ્યવસાય સાથે સંકાયેલા છે. બંને કાપડનું ચેકિંગ કામ કરતા હતા. બંને ભાઈઓએ પોતાના બાળખો સાથે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જે મકાનમાં આ બનાવ બન્યો છે તે મકાનમાં ગૌરાંગભાઈ રહેતા હતા. જોકે, આ મકાન છ મહિના પહેલા ખાલી કરી ને વટવા ભાડે રહેવા માટે ગયા હતા. આ મકાન પર બેંક દ્વારા બે નોટિસ પણ લગાવવામાં આવી છે.બંને ભાઈઓ સાથે બાળકોએ પણ આત્મહત્યા કરી છે કે પછી બાળકોની હત્યા કર્યા બાદ બંને ભાઈઓએ આત્મહત્યા કરી આ તમામ બાબતોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે તમામ લોકોનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં એફ.એસ.એલની પણ મદદ લેવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર