દિલ્હી ખાતે પ્રજાસત્તાકની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની અસ્મિતા રજુ થશે, વાંચી લો શું છે

ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (12:14 IST)
પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી 'રાણીની વાવ : જલ મંદિર'નો ટેબ્લો જોવા મળશે. ગુજરાતના ગૌરવ સમી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા-સંસ્કૃતિ અને અદભૂત કળાના સમન્વય સમી રાણીની વાવ જળ સંચયની ગુજરાતની પરંપરાનું બેનમૂન ઉદાહરણ છે. ગુજરાતની આ ભવ્ય વિરાસતને તાદ્શ કરતો ટેબ્લો રાષ્ટ્રીય પરેડમાં સમગ્ર રાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશના જુદા-જુદા 16 રાજ્યોના ટેબ્લો આ રાષ્ટ્રીય પરેડ માટે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત ભારત સરકારના વિવિધ 6 વિભાગોના ટેબ્લો પણ આ પરેડમાં રજૂ થશે. ગુજરાત સરકારના રાણીની વાવના ટેબ્લો સાથે કુલ 26 કલાકારો પણ ગુજરાતની કલા- સંસ્કૃતિને દિલ્હીના રાજમાર્ગ પર રજૂ કરશે. ટેબ્લોની ઉપર રાણીની વાવમાં વટેમાર્ગુને પાણી પીવડાવતી ગુજરાતી નાર, વાવમાં પાણી ભરવા જતા મા-દીકરી સહિત કુલ 10 કલાકારો હશે. આ ઉપરાંત 16 કલાકારો હાથમાં મટુકી લઈને ગુજરાતી ગરબો "હું તો પાટણ શે'રની નાર જાઉં જળ ભરવા, મારે હૈયે હરખ ના માય, જાઉં જળ ભરવા. ગાતાં ગાતાં રાણીની વાવના ટેબ્લો સાથે પરેડમાં જોડાશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર