ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં કર્ફ્યુ રહતો અને રથયાત્રામાં પણ તોફાનો થતાં - અમિત શાહ

ગુરુવાર, 22 જૂન 2017 (13:17 IST)
નડિયાદમાં ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમિત શાહે નર્મદા યોજના, ગુજરાતના વિકાસ સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથે લઇ તેને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયના દીવા સ્વપ્નમાં ના રાચવાની  સલાહ આપી હતી. એક તબક્કે તેમણે કોંગીજનોને કોંગ્રેસીયા કહીને પણ સંબોધ્યા હતા. કોંગ્રેસના શાસનને ગુજરાતની પ્રજા હજુ સુધી ભુલી નથી. કોંગ્રેસના શાસનમાં કરફ્યુ રહેતો હતો. 

જ્યારે ભાજપના શાસનમાં 20 વર્ષમાં કોઇએ કર્ફ્યૂ જોયો નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનતાં 17 દિવસમાં નર્મદાના ડેમ પર દરવાજા મુકવાની મંજુરી આપી દીધી હતી.  આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે જનસંઘના નામે શરૂ થયેલી આ પાર્ટીમાં 10 વ્યક્તિથી શરૂ થઇ હતી. આજે 11 કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. અગાઉ ડિપોઝીટ બચે તો પણ ભાજપના ઉમેદવારો પાર્ટી કરતાં હતાં. આજે 13 રાજ્યોમાં ભાજપની સરકાર છે. 4 રાજ્યમાં સહયોગી પક્ષ છે. ભાજપ કોઇ નેતાના કારણે કે કરિશ્માથી આટલા સુધી નથી પહોંચી. ભાજપે અશ્વમેઘ યજ્ઞ આદર્યો છે અને તેનો ઘોડો ગુજરાત આવી પહોંચ્યો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 150  બેઠકો સાથે વિજય થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ દેશમાં ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર છે તેના મૂળમાં કોંગ્રેસ જ છે. કોંગ્રેસની નિતિ, નિયતિ અને નેતૃત્વમાં જ ખોટ છે. 1961થી 1998માં કોંગ્રેસની સરકારે વિકાસમાં રસ નહોતો લીધો. ડેમ વહેલો બની ગયો હોત તો લાખો ક્યુસેક પાણી દરિયામાં જતું બચી જાત. પરંતુ 2001થી નરેન્દ્ર મોદીએ ડેમનું કામ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરી. પરંતુ દિલ્હીની મનમોહન સરકારે સાત વરસ સુધી દરવાજા બનાવવાની મંજુરી જ આપી નહતી. આથી, કોંગ્રેસને નર્મદા માટે બોલવાનો કોઇ જ અધિકાર નથી. ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. વિજળી, ખાતર, પાણી માંગવા ગયેલાં ખેડૂતો પર કોંગ્રેસે ગોળીબાર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો