અમદાવાદમાં ભગવાન જગદીશના મામેરાનો લહાવો મોસાળિયાને ૧૪૦ વર્ષે મળ્યો

બુધવાર, 21 જૂન 2017 (16:21 IST)
અમદાવાદમાં ભગવાન જગદીશની રથયાત્રા નજીક આવી રહી છે. હાલમાં ભગવાન, ભ્રાતા અને બહેન મોસાળમાં છે ત્યારે ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરના રહીશને જ ૧૪૦ વર્ષે પ્રથમવાર મામેરુ કરવાનું નસીબ થયું છે. મામેરામાં ભગવાનના વાઘા-રત્નજડિત મુગટ સહિત સુભદ્રાજીના તમામ શણગાર ભેટસોગાદરૂપે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. સરસપુરના બાબુભાઈ માવાવાળાને લહાવો મળતાં સમગ્ર સરસપુરમાં ઉજવણીનો માહોલ છે. મંગળવારે જે મામેરું થયું તે અંદાજે ૨૦થી ૨૫ લાખનું છે. ૨૦૧૫માં એક ભક્તે ૫૧ લાખનું મામેરું કર્યું હતું. ઉલ્લેખનીય છે, ભાણેજોના મામેરા માટે ૨૦ વર્ષ સુધી વેઇટિંગ  લીસ્ટ છે. એટલે કે 20 વર્ષ સુધી મામેરાનું બુકિંગ થઇ ગયું છે.

બાબુભાઈએ જણાવ્યું હતું કે અમે એક વર્ષથી આ પ્રસંગ માટે તૈયારી કરી રહ્યા હતા. ભગવાન જગદીશ અને ભ્રાતા બલભદ્રને પારંપરિક મામેરું અર્પણ કરાયું હતુ. જોકે, બહેન સુભદ્રા માટે વિશેષ મામેરું તૈયાર કરાયું હતું. તેમને માતા પાર્વતીના શણગારથી માંડીને તમામ ચીજો અર્પણ કરવામાં આવી હતી. જે ચીજવસ્તુઓની પસંદગી કરવામાં આવી તે ઉત્કૃષ્ટ છે. તેમની નથણી અને ચાંદીનાં પાયલ, જ્વેલરી બેંગોલી ડિઝાઈનની બનાવાઇ હતી. કચ્છ અને સુરતથી કાપડ લાવીને બંધુઓના વાઘા તૈયાર કરાયા છે.

વેબદુનિયા પર વાંચો