અમદાવાદમાં આંતક, 53ના મોત

વેબ દુનિયા

બુધવાર, 30 જુલાઈ 2008 (12:04 IST)
અમદાવાદ. તાજેતરમાં જ દેશના ઈન્ફોસિટી બેંગલુરૂમાં થયેલા ત્રણ શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટની શાહી સુકાઈ નથી ત્યારે શનિવારે સાંજે અમદાવાદમાં થયેલા 16 શ્રેણીબધ્ધ વિસ્ફોટથી અમદાવાદમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. જેમાં 53ના મોત તથા 200થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.

બેંગલુરૂમાં બ્લાસ્ટ બાદ અમદાવાદમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં 24 કલાકની અંદર અમદાવાદમાં બ્લાસ્ટ થતાં રાજ્ય પોલીસ અને સરકાર પણ ચોંકી ઉઠી છે. આ આતંકી ઘટના પાછળ ઈન્ડીયન મુઝાહીદ્દીન નામના સંગઠને જવાબદારી ઉઠાવી છે. આ સંગઠને સાંજે 6.31 વાગે આઈ.બી.અને ખાનગી સમાચારને ચેનલને ઈ મેઈલ કરીને અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ ઈમેઈલ બાદ પાંચ મિનિટ બાદ શહેરમાં 14 સ્થળોએ એક પછી એક 16 જેટલા બ્લાસ્ટ થયા હતાં.

પ્રથમ બ્લાસ્ટ મણીનગરનાં જવાહર ચોક વિસ્તારમાં થયો હતો. ત્યારબાદ એક પછી એક બ્લાસ્ટે સમગ્ર શહેરને હલાવીને મુકી દીધુ હતું. લોકો પોતાના સ્વજનના હાલચાલ પુછવા માટે ફોન કરતાં નજરે પડતાં હતાં. પણ લેન્ડલાઈન અને મોબાઈલ ફોનનું નેટવર્ક જામ થઈ જતાં દહેશત વધી ગઈ હતી. તો શહેરમાં અફવાનું બજાર પણ ગરમ હતું.

શહેરમાં મણીનગરનાં જવાહર ચોક બાદ સરદાર પટેલ હીરાબજાર, સરદાર નગર ચાર રસ્તા, રાયપુર ચોકી, ઓઢવ રાજેન્દ્ર પાર્ક, હાટકેશ્વર સર્કલ, ખોડીયાર મંદિર ઓઢવ, ઈસનપુર, જયમાળા બસ સ્ટેન્ડ, ઈસનપુર ગોવિંદવાડી, સારંગપુર ચકલા, જુહાપુરા, અંબર ટાવર, સરખેજ સંગમ સિનેમા, ગોમતીપુર મરીયરબીબીની ચાલી, સિવીલ હોસ્પિટલ ટ્રોમા વોર્ડ અને એલજી હોસ્પીટલ બોર્ડ પાસે થયેલા સીરિયલ બ્લાસ્ટથી સમગ્ર શહેરમાં અફડાતફડી મચી જવા પામી હતી.

બીજી બાજુ શહેરની તપાસ એજન્સીઓ પણ તપાસ માટે પોતાનો કાફલો ઉતારી દીધો હતો. તેમણે વિવિધ વિસ્તારો કોર્ડન કરી લીધા હતા. અને, લોકોને શાંતિ બનાવી રાખવા વારંવાર અપીલ કરતાં હતાં. પણ તેમનું કોઈ માનતું નહતું. તો પોલીસે એસટી સ્ટેશન અને રેલ્વે સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું હતું.

લોકોનાં ટોળાને દૂર કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિ ગંભીરતાથી લઈને તાત્કાલિક કેબીનેટની મીટીંગ બોલાવી હતી. અને, વડાપ્રધાને ઘાયલોને રૂ. 50 હજાર તથા મૃત્યુ પામેલાને રૂ.1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

આ સીરીયલ બ્લાસ્ટની તીવ્રતા ઓછી હતી, પણ તેમાંના કેટલાંકની તીવ્રતા વધારે હોવાથી મરનાર અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધવા પામી હતી. આ બ્લાસ્ટથી સમગ્ર શહેર ચિચીયારીઓ અને રોક્કળથી ગુંજી ઉઠ્યા હતાં. તેની સાથે તંત્રે અફવાથી દૂર રહેવા નગરજનોને અપીલ કરી હતી. .

વેબદુનિયા પર વાંચો