એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયુ તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, "હે દેવી ! આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાનાં છે ? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી સિસાય જાય છે. આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદીકિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. વ્રતી બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ, દશ ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંલ્લા કરવા. ત્યાર બાદ સ્ત્રીએ આ વ્રત કરવું. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો.