અહમદ પટેલનું નિધન : અહમદ પટેલ કોના નેતા હતા? ગુજરાતના, કૉંગ્રેસના કે મુસ્લિમોના?

બુધવાર, 25 નવેમ્બર 2020 (17:58 IST)
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું નિધન થયું છે. તેમણે બુધવારે સવારે 3: 30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હોવાનું તેમના પુત્ર પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર પર જણાવ્યું.
 
71 વર્ષના અહમદ પટેલ લગભગ એક મહિનાથી કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત હતા. તેમનું નિધન દિલ્હીની એક હૉસ્પિટલમાં થયું.
 
અહમદ પટેલ કૉંગ્રેસના કોષાધ્યક્ષ હતા. તેઓ કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યા. 1985માં તેઓ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહ્યા હતા.
 
2017માં ગુજરાતની ચૂંટણી વખતે બીબીસીના સંવાદદાતા રજનીશ કુમારે અહમદ પટેલના ગામ પીરામણની મુલાકાત લીધી હતી અને જે લેખ તૈયાર કર્યો હતો એ અહીં રજૂ કરાઈ રહ્યો છે.
 
મૂળ લેખ 10 ડિસેમ્બર, 2019ના રોજ છપાયો હતો. જેને અપડેટ કરાયો છે.
 
અહમદ પટેલ મોટાભાગે દિલ્હીમાં કે તેમના ગામ પીરામણમાં રહેતા હતા. પીરામણ એવું કોઈ અંતરિયાળ ગામ નથી કે જ્યાં પહોંચવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે.
 
અમદાવાદથી ભરૂચની ત્રણ કલાકની મુસાફરી ખેડ્યા બાદ ભરૂચથી પીરામણ પહોંચવા માટે મેં એક કલાકની મુસાફરી કરી હતી. અહમદ પટેલના ગામે પહોંચ્યા બાદ એવું લાગતું નથી કે તે કોઈ ગામડું હોય. જો તમારા સ્મૃતિપટમાં ગામડાં વિશે ખેતર અને ઘરનાં દૃશ્યો હશે તો તમે પીરામણ જઈને ચોક્કસપણે નિરાશ થશો. મેં ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. તેમાંથી કોઈએ પણ અહમદ પટેલ વિશે ફરિયાદ નહોતી કરી. ગ્રામજન હિંદુ હોય કે મુસ્લિમ, બધાની જીભે 'અહમદભાઈ'નું નામ છે. તેમના ગામની નજીકમાં અંકલેશ્વર શહેર આવેલું છે. અંકલેશ્વરમાં 26 પારસી પરિવારો રહે છે. એવું માનવામાં આવે છે કે પારસી પરિવારો પરંપરાગત રીતે કૉંગ્રેસના સમર્થક છે.
 
'અહદભાઈ બધા લોકોના નેતા'
 
'પીરામણમાં ગયા બાદ લાગતું નથી કે તે કોઈ ગામડું હોય'
 
ભરૂચ ઇંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનું જન્મસ્થળ હોવાનું કહેવાય છે. જોકે, એ બાબતે કોઈ નક્કર પુરાવાઓ કે સમર્થન મળતું નથી. ભરૂચની 'એમ.કે. કૉલેજ ઑફ કૉમર્સ'ના પૂર્વ આચાર્ય બોમિન કોવિન પારસી સમુદાયના છે, તેઓ હાલ અંકલેશ્વરમાં રહે છે. તેઓ કહે છે કે ફિરોઝ ગાંધીનો જન્મ મુંબઈ(અગાઉનું બૉમ્બે)માં થયો હતો અને તેમના નાનાનું ઘર ભરૂચમાં હતું. બોમિન કોવિનને એ વાતની ખુશી છે કે તેમનાં ત્રણેય દીકરીઓએ પારસી યુવકો સાથે જ લગ્ન કર્યાં છે.
 
ભરૂચ ઇંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનું જન્મસ્થળ હોવાનું કહેવાય છે, તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતાં કે ગુજરાતમાં છેલ્લાં ત્રીસ વર્ષમાં ઘણી પારસી યુવતીઓએ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં છે. જોકે, તેઓ અહમદ પટેલના કામથી ખુશ હતા અને કહ્યું હતું, "અહમદભાઈએ માત્ર કોઈ એક સમુદાયના નેતા નથી, પરંતુ બધા લોકોના નેતા છે."
 
બોમિને એમ પણ કહ્યું કે વર્ષ 2002નાં રમખાણોમાં તેમણે પોતાના ઘરમાં ત્રણ મુસ્લિમ પરિવારોને આશરો આપ્યો હતો અને જરૂર પડ્યે મદદ માટે ફાયર બ્રિગેડને પણ બોલાવી હતી.
 
બોમિનના જણાવ્યા અનુસાર, "જ્યારે ફાયર બ્રિગેડને એ વાતનો અંદાજો આવ્યો કે આગની લપેટમાં આવેલાં મકાનો મુસ્લિમોનાં હતાં ત્યારે તે પરત જતી રહી હતી."
 
 
'2002નાં રમખાણોનો ખુલ્લીને વિરોધ ન કર્યો'
 
વર્ષ 2002ના રમખાણો મુદ્દે અહમદ પટેલ ખુલ્લીને સામે ન આવ્યા હોવાનું માનવામાં આવે છે એક વાત સામાન્ય રીતે ઘણાં વર્તુળોમાં ચર્ચાય છે કે વર્ષ 2002માં ગુજરાતમાં કોમી રમખાણો થયાં ત્યારે અહમદ પટેલે તેનો ખુલ્લીને વિરોધ કરવાની જરૂર હતી. તેઓ આ મુદ્દે ખુલ્લીને સામે નહોતા આવ્યા.
ભરૂચના વરિષ્ઠ પત્રકાર હરીશ જોશી કહે છે, "જ્યારે તમે કોઈ નોંધપાત્ર સ્તરે પહોંચી જાવ છો ત્યારે તમે કોઈ ચોક્કસ કોમ સાથેની તમારી ઓળખ સાથે જ નથી રહેવા માગતા."
 
"જો કે તેમણે રમખાણોની ખૂબ નિંદા કરી હતી અને નિવેદન પણ આપ્યું હતું."
 
હરીશ જોશી કહે છે કે અહમદ પટેલના કિસ્સામાં તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા વધુ મહત્ત્વની છે.
 
જોશી કહે છે, "અહમદ પટેલની ઓળખ ભલે કૉંગ્રેસના એક સારાં વ્યૂહરચનાકાર તરીકેની હોય, પરંતુ તેમની વ્યૂહરચના ગુજરાતમાં નિષ્ફળ નીવડી છે."
 
"જો તેઓ તેમની વ્યૂહરચનાને ધ્યાનથી જુએ તો સમજાશે કે તેમની રણનીતિનો ગુજરાતને કોઈ ફાયદો નથી થયો."
 
"જો તમે વર્ષ 2002 પછીની ગુજરાતની પરિસ્થિતિનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે ભાજપે કેવી રીતે સંગઠનાત્મક વ્યૂહરચના હેઠળ કામગીરી કરી."
 
"જ્યારે અહમદ પટેલ આ વ્યૂહરચના સામેની રણનીતિ ઘડવામાં નિષ્ફળ રહ્યા."
 
ગ્રામજન હિંદુ હોય કે મુસ્લિમ, બધાની જીભે 'અહેમદભાઈ'નું નામ છે
 
ભાજપે અહમદ પટેલના રાજ્યસભા પ્રવેશમાં ખલેલ પહોંચાડવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે પરિસ્થિતિમાં અહમદ પટેલની રણનીતિ ભાજપના ઇરાદાઓ પર ભારે પડી હતી. 
 
હરીશ જોશી કહે છે, "અહીં ભાજપને અહમદ પટેલ સાથે કોઈ અંગત સમસ્યા નથી, પરંતુ કૉંગ્રેસને ઉથલાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે આ એક મોટો રાજકીય જુગાર હતો."
 
'શું અહમદ પટેલ ગુજરાતનાં મોટા નેતા છે, મુસ્લિમોના નેતા છે કે કે પછી કૉંગ્રેસના નેતા?'
 
અમદાવાદના એક વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ કહે છે, "અહમદ પટેલ પડદા પાછળ રહી રણનીતિ ઘડવામાં માહેર છે અને તેવા નેતાની દરેક પક્ષને જરૂર હોય છે."
 
"અહમદ પટેલ યુ.પી.એ-1 અને યુ.પી.એ-2ની સરકાર દરમિયાન મુખ્ય યોગદાન આપનારા નેતાઓ પૈકીના એક નેતા છે. "
 
"જ્યારે સી.પી.એમ.એ પહેલી યુપીએ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું, ત્યારે સરકારને બચાવવામાં સૌથી મોટી ભૂમિકા અહમદ પટેલે ભજવી હતી."
 
'અહમદ પટેલના કિસ્સામાં તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા વધુ મહત્વની છે'
 
સવાલ એ છે કે અહમદ પટેલ જો મોટા વ્યૂહરચનાકાર હોય તો કૉંગ્રેસ ગુજરાતમાં શા માટે છેલ્લાં 22 વર્ષથી માત ખાઈ રહી છે.
 
દર્શન દેસાઈ આ મુદ્દે કહે છે, "ગુજરાતમાં કોઈની રણનીતિ કામ નથી કરતી. તેમાં પણ સાંપ્રદાયિક ધ્રુવીકરણનું વાતાવરણ પૂરજોશમાં હોય અને તમારું નામ અહમદ પટેલ હોય!"
 
"કોમી રમખાણો સમયે અહમદ પટેલની ભૂમિકાની વાત કરવામાં આવે તો હું માનું છું કે એક વિપક્ષ તરીકે કૉંગ્રેસે જે કામ કરવું જોઈએ તે નથી કર્યું."
 
દર્શન દેસાઈ કહે છે, "ના, મુસ્લિમો અહમદ પટેલને તેમના નેતાના રૂપે નથી જોતા. બીજી તરફ અહમદ પટેલ પણ પોતાને મુસ્લિમ નેતા નથી માનતા."
 
"તેમનું સૌથી મજબૂત પાસું એ છે કે તેઓ પોતાની જાતને લોકપ્રિયતાથી દૂર રાખે છે. અહમદ પટેલ પોતાના વિરોધીઓની પણ મદદ કરે છે છતાં પણ તેઓ આ વાતનો શ્રેય નથી લેતા."
 
દર્શન દેસાઈ કહ્યું હતું કે અહમદ પટેલે જે દિવસે સરાજાહેર મુસ્લિમોને સંબોધ્યા હોત તે દિવસે ગુજરાતમાં સાંપ્રદાયિક રાજકારણની જમીન વધુ ફળદ્રુપ બની હોત.
 
કદાચ આ ડરના કારણે તેઓ ખુલ્લીને આ મુદ્દે સામે નહોતા આવ્યા.
 
અમદાવાદમાં 'સીપીએમ સેન્ટ્રલ કમિટી'ના સભ્ય અરુણ મહેતા અહમદ પટેલનું આકલન જરાં જુદી રીતે કરે છે.
 
મહેતા કહે છે, "અહમદ પટેલનો પાયાના રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. તેઓ માને છે કે લોકો સુધી વ્યક્તિગત સહાય પહોંચતી કરવી એ જ પૂરતું છે."
 
"એક વાક્યમાં આ મુદ્દે ટિપ્પણી કરું તો હું એટલું કહીશ કે અહમદ પટેલ વફાદારોથી ઘેરાયેલા એક નેતા છે."
 
મહેતાએ કહ્યું, "હવે કૉંગ્રેસમાં ત્રણ જૂથો છે. અહમદ પટેલે ગુજરાતમાં કૉંગ્રેસને ક્યારેય એક નથી થવા દીધી. તેઓ હવે શક્તિસિંહ ગોહિલના જૂથને પ્રોત્સાહન આપી રહ્યા છે."
 
"બીજું જૂથ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીનું છે અને ત્રીજું જૂથ સિદ્ધાર્થ પટેલનું છે."
 
ભરૂચ 80ના દાયકામાં કૉંગ્રેસનો ગઢ હતો. અહમદ પટેલ અહીંથી ત્રણ વખત લોકસભાના સાંસદ રહ્યા છે. વર્ષ 1984માં કૉંગ્રેસના સંયુક્ત સચિવ તરીકે તેઓ દિલ્હી ગયા હતા.
 
પક્ષમાં તેમને ટૂંક સમયમાં પ્રમોશન મળ્યું અને તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
 
 
ગાંધી પરિવારના વિશ્વાસુ
 
વર્ષ 1986માં અહમદ પટેલની ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 1988માં તેઓ ગાંધી-નહેરુ પરિવાર દ્વારા સંચાલિત 'જવાહર ભવન ટ્રસ્ટ'ના સચિવ બન્યા. આ ટ્રસ્ટ સામાજિક કાર્યક્રમો માટે ભંડોળ પૂરું પાડે છે. તેઓ રાજીવ ગાંધીના જેટલાં વિશ્વાસુ હતા તેટલાં જ તેઓ આજની તારીખે સોનિયા ગાંધીનાં વિશ્વાસુ છે. 21 ઓગસ્ટ 1949ના રોજ તેમનો જન્મ પીરામણના મહંમદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલના પુત્ર તરીકે થયો હતો.
 
પીરામણના કેટલાક વૃદ્ધો સાથે વાત કરી, ત્યારે જાણવા મળ્યું કે તેઓ બાળપણથી જ વિનમ્ર અને શિસ્તબદ્ધ હતા. 0પીરામણના મહેશભાઈ મહેતાએ કહ્યું હતું, "અહેમદભાઈ જ્યારે ઘરેથી નીકળે ત્યારે સૌના ખબરઅંતર પૂછતા હોય છે. અમે તેમની દિલ્હીથી પરત આવવાની રાહ જોતા હોઈએ છીએ."
 
''પટેલ' એ જ્ઞાતિ દર્શાવતી અટક નથી પરંતુ હોદ્દો દર્શાવે છે'
 
ભરૂચ કૉંગ્રેસના પ્રવક્તા નાજુભાઈ જણાવે છે કે અહમદ પટેલ નમાઝ પઢવાનું ક્યારેય ભૂલતા નથી તથા તેમનાં ગામના મંદિરોમાં દાન અને સમારકામ કરાવવા માટે પણ કોઈ કસર છોડતા નથી.  મેં ગુજરાત યુનિવર્સિટીના સામાજિક વિજ્ઞાનના અધ્યાપક પ્રોફેસર ગૌરાંગ જાનીને પૂછ્યું, "શા માટે ગુજરાતમાં કેટલાંક મુસ્લિમોની અટકમાં 'પટેલ' લગાવવામાં આવે છે?"
 
ગૌરાંગ જાનીએ કહ્યું, "'પટેલ' એ જ્ઞાતિ દર્શાવતી અટક નથી, પરંતુ હોદ્દો દર્શાવે છે. ગામના વડાને 'પટેલ' કહેવામાં આવે છે. અહમદ પટેલના કિસ્સામાં પણ આવું જ છે. "
 
"આ બાબતને હિંદુ કે મુસ્લિમ હોવા સાથે કોઈ સંબંધ નથી."
 
અહમદ પટેલ સાથે વિટંબણા એ છે કે તેઓ કૉંગ્રેસે ગુજરાતમાં ગુમાવેલું પ્રભુત્વ પાછું નથી અપાવી શકતા. તેમના સ્થાનિક વિસ્તાર ભરૂચમાં પણ કૉંગ્રેસ લોકસભાની ચાર ચૂંટણીઓ હારી ચૂકી છે.
 
વર્ષ 2012ની વિધાનસભાચૂંટણીઓમાં, કૉંગ્રેસ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોમાં કોઈ પણ બેઠક નહોતી જીતી શકી.
 
આવું થવાનું કારણ એ છે કે અહમદ પટેલ તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ અપાવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર