વડોદરાના ડભોઇમાં એક જ કોમના પાડોશીઓ વચ્ચે હિંસક અથડામણ; 12ને ઇજા પહોંચી

સોમવાર, 11 માર્ચ 2024 (12:30 IST)
dabhoi violent news


-  મકાનના બાંધકામ બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી મારા-મારીમાં 12 લોકોને નાની-મોટી ઇજા
- એક જ કોમના બે પાડાશીઓ વચ્ચે મોડી રાત્રે હિંસક અથડામણ 
- બનાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ સ્થળ પર દોડી જઇ મામલો થાડે પાડ્યો

ડભોઇ નાગરવાડા અંબામાતાના મંદિર પાસે રહેતા એક જ કોમના બે પાડાશીઓ વચ્ચે મોડી રાત્રે હિંસક અથડામણ થઇ હતી. મકાનના બાંધકામ બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી મારા-મારીમાં 12 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં 5ને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે બનેલો આ બનાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ સ્થળ પર દોડી જઇ મામલો થાડે પાડ્યો હતો.

આ બનાવને પગલે નગરમાં ચકચાર મચી ગઇ હતી.ડભોઇ પોલીસે જણાવ્યું હતું કે, ડભોઇ નાગરવાડા અંબામાતાના મંદિર પાસે રહેતા મોહસીન ઉર્ફ કે સિંકદરભાઈ ટોલ્લાવાલા પરિવાર સાથે રહે છે. તેઓના મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ મકાનના બાંધકામ બાબતે પાડોશી પરિવાર મેહફૂઝ ઉર્ફ યાદવ રસુલભાઈ ઘાંચી વચ્ચે છેલ્લા કેટલાંક દિવસથી ઝઘડો ચાલી રહ્યો છે. મોડી રાત્રે છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો લોખંડની પાઇપો, લાકડીઓ સાથે આમને-સામને આવી ગયા હતા. એકબીજા ઉપર હુમલો કર્યો હતો.બંને જૂથ વચ્ચે મારક હથિયારો સાથે થયેલી હિંસક અથડામણમાં કોઇના માથાં ફૂટ્યા તો કોઇના હાથ-પગ તૂટ્યા. તો કોઇને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ થઇ હતી. આ અથડામણમાં મોહસીન ઉર્ફ કે સિંકદરભાઈ ટોલ્લાવાલા, લિયાકતભાઈ, જમીલાબહેન, મેહકુઝ ઉર્ફ યાદવ રસુલભાઈ ઘાંચી સહિત બંને જૂથના 12 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોમાં 5ને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે નાગરવાડા અંબામાતા મંદિર વિસ્તારમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા. વિસ્તારમાં લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા. એક જ કોમના બે પાડોશી વચ્ચે થયેલી હિંસક અથડામણના પગલે વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. પાડોશીઓ વચ્ચે થયેલી અથડામણનો મામનો થાડે પાડ્યો હતો.ડભોઇ નગરના નાગરવાડા અંબામાતાના મંદિર પાસે મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે પોલીસે બંને પરિવારજનોની ફરિયાદો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં 3 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવે નાગરવાડા વિસ્તાર સહિત સમગ્ર ડભોઇ નગરમાં ચકચાર મચાવી મૂકી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર