આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા વનકર્મીઓને માર મારવાના કેસમાં એક મહિનાથી ફરાર હતાં અને હવે તેઓ આજે દેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયાં છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. ગઈ કાલે જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને આજે ચૈતર વસાવાએ સરેન્ડર કરી દેતાં રાજકારણ વધુ ચર્ચાસ્પદ બન્યું છે.
ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થયાં પહેલાં નિવેદન આપ્યું હતું કે, અમે ગુજરાતની જનતા માટે બોલીએ છીએ તેનો બદલો લેવામા આવે છે. પહેલા મને લોભલાલચ આપવામાં આવી તેમાં હુ ન ગયો એટલે મારા પર ખોટો કેસ કરવામા આવ્યો. પહેલા પણ 2019ની લોકસભામાં મને 3 દિવસ પુરી રાખવામા આવ્યો હતો. તેવી જ રીતે આમાં પણ મને ફસાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, હું ધારાસભ્યો બન્યો એ પછી મારા કામ જોઈને ભાજપના લોકોએ ખોટી રીતે ચૂંટાયો હોવાનું કહીને હાઇકોર્ટમાં મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે પિટિશન દાખલ કરી હતી. જે કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ જાહેર કર્યો હતો. મારા પર ખોટા કેસો કરી મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે.ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ કહ્યું કે, ભૂપતભાઈ રાજીનામુ આપ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે હુ પહેલાથી જ ભાજપનો હતો એટલે તેમનું ભાજપમાં જોડાવાનું નક્કી હશે. અમારા પર પણ ભાજપનું દબાણ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને પણ તેમણે ખોટી રીતે કેસ કરી ફસાવ્યા છે. એટલે ભાજપની સાથે સાથે સ્થાનિક નેતાઓનું પણ દબાણ છે. અમને ફસાવવા માટે ભાજપનું આ મોટું કાવતરુ છે.