ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થવાની શક્યતા, પ્રદેશ પ્રમુખ બાદ પ્રભારી બદલાશે

બુધવાર, 21 જૂન 2023 (15:14 IST)
નવા પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ ચર્ચામાં
 
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાલોશીભર્યા પરાજય બાદ પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા અને જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમુખ બાદ હવે કોંગ્રેસના પ્રભારી પણ બદલાય તેવી શક્યતાઓ છે. પ્રભારી તરીકે બી.કે હરિપ્રસાદ, મોહન પ્રકાશ અને નીતિન રાઉતનું નામ હાલ ચર્ચામાં છે.  બી.કે હરિપ્રસાદ અગાઉ પણ ગુજરાતની જવાબદારી સંભાળી ચૂક્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ નવા પ્રભારીની પણ ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. 
 
ગોવાભાઈ ગયા પણ વશરામ સાગઠિયા પરત આવવાની તૈયારીમાં
શક્તિસિંહે પદ સંભાળતાં જ કોંગ્રેસના 35 વર્ષ જુના નેતા ગોવાભાઈ રબારી 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયાં. બીજી બાજુ પહેલાં સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ વશરામ સાગઠિયા અને ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષપલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં અને ત્યારબાદ ઈન્દ્રનીલ કોંગ્રેસમાં પરત આવી ગયા હતાં. પરંતુ શક્તિસિંહ ગોહિલે જ્યારે શક્તિપ્રદર્શન કર્યું ત્યારે વશરામ સાગઠિયા તેમની રેલીમાં જોડાયા હોવાનો વીડિયો વાયરલ થતાં આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી બરતરફ કર્યા હતાં. હવે તેઓ કોંગ્રેસમાં પરત ફરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
 
નવા પ્રભારીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન પ્રભારી તરીકે રાજસ્થાનના આરોગ્ય મંત્રી રહેલા ડો. રઘુ શર્માના હાથમાં હતી અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોંગ્રેસના ઓબ્ઝર્વર હતાં. આ દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. આ સમયે પાર્ટીના નેતાઓમાં રઘુ શર્માને લઈને નારાજગી હતી. ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ હવે એક્શનમાં છે અને ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવાના મૂડમાં છે. પ્રમુખ બદલાયા તો હવે પ્રભારી પણ બદલાશે. આગામી ટુંક સમયમાં કોંગ્રેસ નવા પ્રભારીની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર