"અંબાજીથી પરત ફરતી વખતે બસે પલટી ખાધી. લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા. બારીનો કાચ તોડીને હું બહાર નીકળ્યો."
"મારા પગમાંથી લોહી વહી રહ્યું હતું. લંગડાતાં-લંગડાતાં મેં આવતાં-જતાં વાહનોને ઊભાં રાખવાં પ્રયાસ કર્યો, પણ કોઈ મદદ માટે ઊભું ન રહ્યું."
"જે કોઈએ પણ વાહન ઊભું રાખ્યું એણે વીડિયો બનાવ્યો પણ મદદ ન કરી."
"જો સમયસર મદદ મળી શકી હોય તો કદાચ વધુ લોકોનો જીવ બચાવી શકાયો હોત."
આ શબ્દો છે ત્રિશૂલિયાઘાટ નજીક થયેલા અકસ્માતનો ભોગ બનેલા અને પોતાનાં પુત્ર અને કાકીને ગુમાવનારા રાજેશ સોલંકીના.
બનાસકાંઠામાં અંબાજી નજીક આવેલા ત્રિશૂલિયાઘાટ પાસે પહેલી ઑક્ટોબરે ખાનગી બસને અકસ્માતન નડ્યો હતો. જેમાં 21 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
બસમાં મોટા ભાગે શ્રદ્ધાળુ હતા અને અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. રાજેશ સોલંકી પણ આમાંથી એક હતા.
આણંદ પાસે આવેલા ખડોલના રહેવાસી રાજેશ ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે.
નવરાત્રી દરમિયાન પાંચસો રૂપિયામાં મા અંબાનાં દર્શન કરવાનું ગામલોકોએ આયોજન કર્યું હતું અને રાજેશ પણ તેમાં જોડાયા હતા.
પત્ની, બે પુત્ર અને કાકી સાથે રાજેશ સોલંકીનો પરિવાર ગામલોકો સાથે દર્શને ગયો હતો.
આ માટે ગામમાંથી રાત્રે બે વાગ્યે ખાનગી બસ અંબાજી જવા માટે નીકળી હતી.
સોલંકીના જણાવ્યા અનુસાર બીજા દિવસે સાંજે ચાર વાગ્યે શ્રદ્ધાળુઓને લઈને બસ અંબાજીથી પરત ફરી હતી અને દરમિયાન ડ્રાઇવરે રસ્તામાંથી બીજા પંદર લોકોને પણ બસમાં બેસાડ્યા હતા.
પરત ફરતી વખતે વરસાદ શરૂ થઈ ગયો અને એમાં ડ્રાઈવરે બસનો કાબૂ ગુમાવ્યો હતો.
સોલંકી જણાવે છે, "અકસ્માતના થોડા સમય બાદ 'ગુજરાત સરકાર' લખેલું એક વાહન આવ્યું હતું અને ઘાયલોને લઈ ગયું હતું. એ બાદ પોલીસ અને ઍમ્બ્યુલન્સ પણ આવ્યાં અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડ્યા."
"પણ એ પહેલાં કેટલાય લોકો મદદ કરવાને બદલે વીડિયો બનાવી રહ્યા હતા. એમણે વહેલી મદદ કરી દીધી હોત તો કદાચ વધુ લોકો બચાવી શકાયા હોત."
આ અકસ્માતમાં રાજેશ સોલંકીએ પોતાનાં નાના પુત્ર અને કાકીને ગુમાવ્યાં છે.
"ભાનમાં આવ્યો ત્યારે હૉસ્પિટલમાં હતો. મેં મારાં નાના પુત્ર અને કાકીને ગુમાવી દીધાં હતાં. પત્ની ગંભીર હતી"
"ચાર વર્ષના પુત્ર અને કાકીનો મૃતદેહ લઈને હું અને મારો મોટો પુત્ર ખડોલ ગામ પહોંચ્યા અને મારા સંબંધીઓ મારી પત્નીને મોડી રાતે અમદાવાદની સિવિલ હૉસ્પિટલ લઈ ગયા."
અકસ્માતમાં રાજેશના મોટા પુત્રને પણ ઈજા થઈ હતી.
રાજેશ સોલંકીના જણાવ્યા અનુસાર એમનાં પુત્ર અને કાકીના અંતિમસંસ્કાર કરાઈ રહ્યા હતા, ત્યારે જ અમદાવાદમાંથી તેમના પરિવારજનોએ ફોન આવ્યો.
પરિવારજનોએ તેમને જણાવ્યું કે તેમનાં પત્નીની સારવાર માટે તબીબો રાજેશની સહી માગી રહ્યા હતા. જેને પગલે રાજેશ સોલંકી અમદાવાદ ગયા અને ત્યાંથી તેમણે પોતાની પત્નીને આણંદની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવ્યાં.
રાજેશ સોલંકી જણાવે છે, "હું પાછો ઘરે ગયો નથી. મોટા દીકરાની કેવી હાલત છે એની કંઈ જાણ નથી. મારી મા એનું ધ્યાન રાખે છે."
અકસ્માતને પગલે ખડોલ ગામ શોકમાં ગળાડૂબ છે. અમે જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે ગામમાં સન્નાટો હતો.
રાજેશ સોલંકીના ઘરે તેમનાં માતા કોકિલા સોલંકી દસ વર્ષના પૌત્રની સંભાળ રાખી રહ્યાં હતાં.
તેમણે બીબીસીને જણાવ્યું, "દીકરાનો પરિવાર અને મારી દેરાણી નવરાત્રી દરમિયાન અંબાજીનાં દર્શન માટે ગયાં હતાં. પણ અમને ક્યાં ખબર હતી કે મારા લાડકાને ભગવાન આંચકી લેશે."
રાજેશ સોલંકીનાં પિતરાઈ દામિની પઢિયાર જણાવે છે, "મારી માને મારાં વતી અંબાજીને ભેટ ચઢાવાની મેં વાત કરી હતી. મારા સંબંધીઓએ મને જાણ કરી હતી કે મારી માને અકસ્માત નડ્યો છે."
"મારી માનો મૃતદેહ જોયો છે ત્યારથી મને મારા જ ઘરની અંદર પગ મૂકવાનું મન નથી થતું."
અંબાજી નજીક થયેલા આ અકસ્માતમાં કુલ 21 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃતકોમાંથી 18 જણ ખડોલ ગામ અને આસપાસનાં પરાંના હતા.