ગુજરાતમાં હજીય ગરમીનો પારો વધવાની શક્યતાઓ, 8 શહેરનું તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું

ગુરુવાર, 6 જૂન 2019 (11:30 IST)
ગુજરાતમાં લોકો ગરમીથી પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે બુધવારે અમદાવાદ સહિત રાજ્યનાં 8 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. હજુ બે દિવસ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ગરમી વધવાનો સંકેત હવામાન વિભાગે આપ્યો છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, શહેરમાં છેલ્લાં બે દિવસનાં પ્રમાણમાં ગરમીમાં ઘટાડો થયો છે. પરંતુ, બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી વધીને 43.6 ડિગ્રી નોંધાયું હતું. જે છેલ્લા બે વર્ષમાં જૂન મહિનાનું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદમાં જૂન મહિનામાં ગરમીનો પારો 2017માં 43.0 જ્યારે 2018માં 42.3 ડિગ્રી નોંધાયો હતો. તેમજ વર્ષ 2009થી અત્યાર સુધીમાં જૂન મહિનામાં સૌથી વધુ 44.9 ડિગ્રી તાપમાન 2016માં જ્યારે 1897માં 47.2 ડિગ્રી ઓલ ટાઇમ રેકોર્ડ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લાં 10 વર્ષમાં જૂન મહિનામાં સૌથી વધુ મહત્તમ તાપમાન 1થી 14 જૂન સુધીમાં નોંધાયું છે. જેમાં ગરમીનો પારો 41થી 45 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. બે દિવસ શહેરમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીની આસપાસ રહ્યાં બાદ ગરમીમાં સામાન્ય વધારો થશે. અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કંડલા એરપોર્ટમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જેને કારણે લોકોએ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસ ગરમીથી રાહત રહ્યાં બાદ શનિવારથી સોમવાર દરમિયાન ફરીથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર