સુરત સિવિલ હોસ્પિટલમાં જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર ફેંકી દેવાયો
મંગળવાર, 2 જુલાઈ 2019 (11:39 IST)
સુરતમાં ગુજરાતની માણસાઈ વિહોણી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં વહેલી સવારે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક બિનવારસી દર્દીને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રી મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને મેડિસીન વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે, દર્દી પોસ્ટમોર્ટમરૂમની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તબીબોની બેદરકારીને લઈને ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે. દર્દીઓની સારવાર ન કરવી, સારવાર માટે રઝળાવવા જેવા વિવાદોમાં આવતી રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે. વહેલી સવારે રૂપાલી સર્કલ પાસેથી 108 એક લકવાગ્રસ્ત દર્દીને બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. દર્દી બેભાન અને ખેંચ આવતી હોવાથી ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાત્રી મેડિકલ ઓફિસર નિશા ચંદ્રા દ્વારા એમએલસી કરી મેડિસીન વિભાગમાં રિફર કર્યો હતો. મેડિસીન વિભાગના રેસિડેન્ટ તબીબે તપાસ કરી ત્યારે દર્દી બેભાન હતો. અને રેસિડેન્ટ તબીબ હાથ ધોવા બાથરૂમમાં ગયા બાદ દર્દી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલની એન્ટ્રી બુકમાં દર્દી જતો રહ્યો હોવાનું નોંધ્યું હતું. દરમિયાન સવારે દર્દી પોસ્ટમોર્ટમ રૂમની બહારથી મળી આવ્યો હતો. રેસિડેન્ટ તબીબના કહેવા પ્રમાણે તે હાથ ધોવા હાથરૂમમાં ગયા બાદ દર્દી ગાયબ થઈ ગયો હતો. જોકે, દર્દી લકવાગ્રસ્ત અને બેભાન હાલતમાં હોય તો દર્દી ચાલીને કેવી રીતે જઈ શકે તેવો પ્રશ્ન ઉભો થયો છે. પોસ્ટમોર્ટમ રૂમ બહાર રહેલા નજરે જોનારે દાવો કર્યો હતો કે, એક સર્વન્ટ વ્હીલચેર પર દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૂકી ચાલી ગયો હતો. ઘટના સિવિલના સીસીટીવીમાં કેદ થઈ હોવાની શક્યતા રહેલી છે. જો, સીસીટીવીની તપાસ કરવામાં આવે તો સાચી હકિકત સામે આવી શકે છે. હાલ તો એચઓડીને જાણ થતા દર્દીને વોર્ડમાં લઈ જઈને સારવાર કરવામાં આવી રહી છે.