પોલીસ પર ચોકોરથી ફિટકાર, પોલીસે જ મહિલાનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાની ચર્ચાઓ

શુક્રવાર, 4 મે 2018 (12:25 IST)
ભાજપ સરકારની મહિલા સશક્તિકરણની મોટી મોટી ગુલબાંગો વચ્ચે ગુજરાતમાં સ્ત્રીઓ પર અત્યાચારો વધી ગયાં છે. ત્યારે એક વરવો કિસ્સો હાલોલમાં ચર્ચાએ ચડ્યો છે. જે ખાખી વર્દી પ્રજાની રક્ષક કહેવાય છે આજે એજ ખાખી વર્દી ફરીવાર શરમમાં મુકાઈ છે અને કાયદાને પણ શરમમાં નાંખ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોદલી ગામની મજુર પરિવારની મહિલાને ખુદ દામાવાવ પોલીસે ઘરેથી ઉપાડી જઈ ઢોર માર માર્યો હોવાની કમનસીબ ઘટના સામે આવી છે.

કોઇ કન્યાને ભગાડી જવાના પ્રકરણમાં આ પરણીતાને ત્રણ મહિલા કોન્સ્ટેબલ અને બે પોલીસ કર્મચારી ઉઠાવી ગયા હતા. અને પોલીસ સ્ટેશનમાં ફટકારી હતી. જેના કારણે પગના ભાગે અને કાનના ભાગે ઇજાઓ થઇ હતી. આ અંગે પોલીસ ફરિયાદ ન નોંધાતા કલેકટર અને જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરાઇ છે. પ્રજાના કહેવાતા રક્ષકો સામે ગ્રામિણ વિસ્તારમાં ફિટકાર ઉભો થયો હતો. પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજ કરાઈ છે.  ગોદલીની મહિલાને પોલીસ દ્વારા માર મારવાના બનાવમાં જિલ્લા પોલીસવડાને કરાયેલી અરજીની તપાસ ચાલુ છે. અસરગ્રસ્ત હોસ્પિટલમાં છે નિવેદનો લઇ તટસ્થ તપાસ કરાશે એવું પોલીસ અધિકારીઓ કહી રહ્યાં છે. દામાવાવ પોલીસથી કઈંક કાચું કપાયાનો અહેસાસ થતા પીએસઆઇએ બારિયાની હોસ્પિટલમાં આવી સારવાર લઈ રહેલ મહિલાને દવા માટે ત્રણ હજાર રૂ. આપ્યા હતા. જે પરિવારજનોએ પોલીસ મથકે પાછા મોકલી દીધાનું જાણવા મળે છે. મોડી સાંજે ઇજાગ્રસ્ત મહિલાની તબિયત વધુ લથડતા તેને ગોધરા સિવિલમાં ખસેડાઇ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર