આવનારા સમયમાં સૌરાષ્ટ્રના લોકો દરિયાનું ખારુ પાણી શુદ્ધ કરીને પી શકશે.

Webdunia
ગુરુવાર, 26 એપ્રિલ 2018 (11:55 IST)
નર્મદાનું પાણી ના મળી શકે એવા સંજોગોમાં પણ સૌરાષ્ટ્રના લોકોને પીવાનાં પાણીની તકલીફ ના પડે એ માટે મોરબી અને જામનગર જિલ્લાના માળિયા -જોડિયાની વચ્ચે દરિયાકિનારાની નજીક પી.પી.પી. મોડેલ પર ડિસેલિનેશન પ્લાન્ટ કાર્યરત થશે. આ પ્લાન્ટની ક્ષમતા 100 એમએલડી દૈનિક પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી હશે. આ પ્લાન્ટમાંથી મળનારું પાણી 1 લીટર દીઠ 5.7 પૈસામાં પડશે. 100 એમએલડી પાણીના શુદ્ધીકરણ માટે અંદાજે 237 એમએલડી પાણી દરિયામાંથી ખેંચવામાં આવશે.

પીવાના પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત, તમિલનાડુ બાદ દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્યના 17 જિલ્લાના 196 શહેર, 12028 ગામોને મળીને રાજ્યની 75 ટકાથી વધુ વસ્તી પીવાનાં પાણી માટે નર્મદા ઉપર આધારિત છે ત્યારે કોઈ કારણસર નર્મદાનો પુરવઠો ન મળે અથવા કૅનાલ કે પછી પાઇપલાઇનમાં ભંગાણ પડે, કોઈ ટૅક્નિકલ ખામી ઊભી થાય, તેવા સંજોગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં પીવાનાં પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થતી હોય છે. આ સ્થિતિને ટાળવા માટે આવા વિસ્તારોમાં વૈકલ્પિક સ્રોત ઊભો કરવા ડિસેલિનેશન પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કુદરતી સંપદાનો ઉપયોગ કરીને ગુજરાત સરકારે ડિસેલિનેશન પ્લાન્ટ માટેની પહેલ કરી છે. ચેન્નાઈ બાદ આ પ્રકારનો પ્લાન્ટ નાખનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. 35થી લઈને 45 હજાર પીપીએમ સુધીની ખારાશ ધરાવતા દરિયાનાં પાણીને રીવર્સ ઓસ્મોસીસ (આરઓ) ટૅક્નૉલોજીનો ઉપયોગ કરીને મીઠું બનાવાશે. આ પાણીને પછી ફિલ્ટરેશનની જરૂર નહીં પડે, તેની ગુણવત્તા હાલ બોટલમાં મળતા પાણી જેટલી હશે.રાજ્ય સરકાર દ્વારા આ પ્લાન્ટનું ટેન્ડર એસેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કંપનીને અપાયું છે, જે સ્પેનની કંપની સાથે મળીને પ્લાન્ટ નાખશે. પ્લાન્ટનો ખર્ચ 800 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ તમામ ખર્ચ કંપની ઉઠાવશે. રાજ્ય સરકાર માત્ર જમીન આપશે અને પ્લાન્ટનું પાણી ખરીદવા માટેના કરાર કરશે. હાલ રાજ્યમાં પ્રથમ પ્લાન્ટ માટે કરારો કરાયા છે. ધીમેધીમે અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના પ્લાન્ટ કાર્યરત કરાશે.ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા તૈયાર થયેલું પાણી રાજ્ય સરકારને પ્રતિ એક હજાર લિટર 57 રૂપિયામાં એટલે કે એક લિટર પાણી 5.7 પૈસામાં પડશે. ડિસેલિનેશન પ્લાન્ટ માટેનો કરાર 25 વર્ષ સુધીનો રહેશે, જેમાં દર વર્ષે 3 ટકા લેખે વધારો કરાશે.ઈઝરાયલના વડાપ્રધાને ભારતને દરિયાનું ખારું પાણી મીઠું કરતી બે જીપ ભેટ આપી હતી. એક જીપની કિંમત 1.11 લાખ ડૉલર છે. એક જીપ દિવસમા દરિયાનું વીસ હજાર લિટર અને નદીનું ગંદું પાણી 80 હજાર લિટર શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. જીપ ઈન્ટિગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન વ્હિકલ છે. 
 

સંબંધિત સમાચાર

Next Article