લોકસભાની ચૂંટણી વખતે હાર્દિકનું સંકટ દૂર કરવા ભાજપે અજમાવ્યો નવો પ્લાન
બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:41 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિકે ભાજપ વિરોધી ખૂબ પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ પરિણામોમાં બીજેપી 99 બેઠકો પર આવી ગઈ હતી. જ્યારે ભાજપના હાથમાં સુકાન આવ્યું છે, ત્યારે હાર્દિક 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત અજમાવી શકે નહીં, તે માટે રાજ્યના ગૃહ વિભાગે એક યોજના ઘડી કાઢી છે. ગૃહ વિભાગના સૂત્રો પ્રમાણે હાર્દિક પટેલને ટૂંકા ગાળામાં લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે. આમ છતાં તેણે ભાજપ વિરુદ્ધની પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી છે, ચૂંટણી દરમિયાન તેણે અનેક સ્થળે મંજૂરી વગર રેલીઓ અને સભાઓ પણ કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળે જુદા કારણો આપી મંજૂરી મેળવી અને રાજકીય ભાષણો આપ્યા હતા. જેને કારણે તેની સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદો નોંધાયેલી છે. જેમાં હજી પણ વધારો થશે, હાર્દિકે જ્યાં પણ નિયમનો ભંગ કરી સભાઓ અને રેલીઓ કરેલી છે, એવા તમામ વિસ્તારમાં તેની સામે ફરિયાદ થશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલમાં જે ફરિયાદ નોંધાઈ રહી છે, તે સામાન્ય પ્રકારની અથવા માત્ર દંડની જોગવાઈ વાળી છે, પરંતુ આવી અનેક ફરિયાદો નોંધ્યા બાદ ગૃહ વિભાગ કોર્ટ સામે જઈ તેના જામીન રદ કરવાની અરજી કરવાની છે. જેમાં તે પોતાના જામીનની શરતોનો ભંગ કરી રહ્યો હોવાનું કારણ આપવામાં આવશે. આ યોજના પ્રમાણે હાર્દિક પટેલ જેલમાં હોય તે દરમિયાન તેની સામે નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદનો કેસ કોર્ટમાં શરૂ થઈ જાય અને કેસ જલ્દી પૂરો થઈ જાય એવા પ્રયાસો કરવામાં આવશે, ક્રાઈમ બ્રાન્ચ પાસે રાજદ્રોહના કેસમાં જેટલા પુરાવાઓ અને સાક્ષીઓ છે, તે હાર્દિકને સજા કરાવવામાં માટે પુરતા છે. ગૃહ વિભાગની આ યોજનાનો આજે જ અણસાર મળી ગયો છે. આજે હાર્દિક વિસનગર કોર્ટમાં હાજર થયો છે. તેની ત્રણ વર્ષ જુના કેસમાં તારીખ પડી રહી છે. આ કેસને લંબાવા માટે વિસનગર ના ધારાસભ્યને સાક્ષી તરીકે ઉમેરવામાં આવ્યા છે અને રાયોટીંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અંગે હાર્દિકે કહ્યું કે, ''મહેસાણા જિલ્લામાં મને છેલ્લા સવા બે વર્ષથી પ્રવેશ નથી અને પ્રવેશ ના થાય તે માટે સાક્ષીનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમુક લોકોને કોર્ટના ધક્કા નથી થઈ રહ્યા અને એ લોકો કહે છે આંદોલન કેમ કરતા નથી. હું એ લોકોને એટલું જ કહીશ કે કોર્ટના ધક્કામાંથી નવરો પડીશ એટલે આંદોલન ચાલુ થઇ જશે. કરવું કંઈ નહિં અને વાતો મલકની કરવાની.