માર્ગ હવે આસાન નથી રહ્યો, રૂપાણી સામે રોજ નવા પડકારો જન્મ લેશે
મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (17:42 IST)
ચૂંટણી જીત્યા બાદ હવે ગુજરાતમાં ભાજપ સરકાર એક્શન મોડમાં આવવાની તૈયારી છે. વિજય રૂપાણી આ વખતે મુખ્યમંત્રી તરીકે બીજી વાર કાર્યભાર સંભાળ્યો છે. આ વખતે ભાજપની ગત ચૂંટણી કરતા ઘણી ઓછી સીટો મળી છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી રૂપાણી સામે અનેક પડકારો મોં ફાડીને ઊભા છે.ભાજપ સરકારે હવે વધુ મજબૂત વિરોધ પક્ષનો સામનો કરવો પડશે. રૂપાણીની પહેલી પરીક્ષા તો નીતિન પટેલ સાથે થયેલા મતભેદમાં જ થઈ ગઈ છે.
રૂપાણીએ સૌરભ પટેલને સોંપેલો નાણાં વિભાગ નીતિન પટેલે પાછો માંગતા રૂપાણી-પટેલ વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા હતા. ભાજપના સુત્રો કહે છે, આ પહેલીવાર એવુ થયું છે કે કોઈએ હાઈકમાન્ડના આદેશ સામે અવાજ ઊઠાવવાની કોશિશ કરી હોય. આટલું તો ઠીક, તેમની માંગણી સંતોષાઈ પણ છે. એવુ કહેવાય છે કે સરદાર પટેલ ગૃપના નેતા લાલજી પટેલ, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને વિવિધ પાટીદાર ધારાસભ્યોનો નીતિન પટેલને ટેકો મળતા રૂપાણીએ નમતુ જોખવુ પડ્યું હતું. જાણકારોનું કહેવું છે કે માત્ર નીતિન પટેલ જ નહિ, સાઈડલાઈન થયેલા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ જેવા કે બાબુ બોખિરિયા વગેરે પણ રૂપાણીથી નારાજ છે. પાર્ટીના એક અગ્રણી સભ્ય જણાવે છે, વિજય રૂપાણી સામે આ બધાને જ એકસાથે રાખી સરકાર ચલાવવાનો મોટો પડકાર છે. વળી હવે વિધાનસભામાં વિરોધપક્ષના નેતાઓની સંખ્યા અગાઉ કરતા ઘણી વધારે છે. આ કારણે પહેલા જેટલી સરળતાથી વિધાનસભા નહિ ચાલી શકે.”ભાજપની તકલીફોમાં વધારો કરે તેવા સમાચાર એ છે કે કોંગ્રેસે અમરેલીના આક્રમક નેતા પરેશ ધાનાણીની વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂંક કરી છે. આથી વિજય રૂપાણીના માથે કાંટાળો તાજ છે, આગામી પાંચ વર્ષ સત્તા ચલાવવી અને જાળવવી તેમના માટે બિલકુલ આસાન નહિં રહે.