NOTAની રણનીતિ અને પાટીદાર ધારાસભ્યોનો નિર્ણય રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક
મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (14:44 IST)
ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલાં પાટીદાર અનામત આંદોલનમાં નવો વળાંક આવી રહ્યો છે. વિવિધ આંદોલનકારી સંસ્થાઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. રાજ્યસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થતાં જ એકાએક પાટીદાર સંસ્થાઓ અને PAAS વચ્ચેની બેઠકો રાજ્યસભાની ચૂંટણી માટેની વ્યૂહરચનાના ભાગરૂપે હોવાનું જાણવા મળેલ છે.
જેમાં પાટીદાર ધારાસભ્યોને આ ચૂંટણીમાં NOTAમાં મત આપવા અપીલ કરવામાં આવી રહી છે. તારીખ 5મીએ મળનારા પાટીદાર કાર્યકર્તા સંમેલનમાં પણ ગુજરાતભરમાંથી આવનારા પાટીદારોને અપીલ કરાશે કે તેમના વિસ્તારના પાટીદાર ધારાસભ્યને મળીને નોટામાં મત આપવા સમજાવવામાં આવે. ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે આવેલી રાજ્યસભાની ચૂંટણીમાં પણ પોતાનો પરચો બતાવી દેવા એકાએક સક્રિય થયા છે. જેમાં પાટીદાર અનામત આંદોલન કરનારી PAASથી દૂર રહેનારી પાટીદાર સંસ્થાઓના આગેવાનો એકાએક પાસના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યાં છે.
તે જોતાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદારો રાજ્યસભાની ચૂંટણીમાં સેમી ફાઇનલ રમીને ફાઇનલનું પરિણામ બતાડવા તૈયાર થઇ ગયા છે. પાસના નેતા વરૂણ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓ સાથે પાસના નેતાઓની એક સામાજિક બેઠકનો દોર ચાલી રહ્યો છે. જેમાં એક મુદ્દે ગુજરાત સરકારે પાટીદારોનો દુરઉપયોગ કર્યો હોવાનો અને પાટીદારો સાથે અન્યાય કર્યો હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે ત્યારે અમે આંદોલનકારી અને પાટીદાર સંસ્થાના આગેવાનો ભેગા મળીને ગુજરાતના પાટીદાર ધારાસભ્યોને NOTAનો ઉપયોગ કરી પાટીદારોને ન્યાય અપાવવાની જવાબદારી નિભાવે તે માટે સમજાવી રહ્યાં છીએ. આ વ્યૂહરચનાના ભાગરૂપે તમામ પાટીદાર સંસ્થાઓના આગેવાનોની પહેલી બેઠક ખોડલધામમાં યોજાઇ હતી. જ્યારે બીજી બેઠક અમદાવાદના ઉમિયા કેમ્પ્સમાં યોજાઇ હતી. ત્યાર બાદ ઊંજા ઉમિયા સંસ્થાનના પાટીદાર ટ્રસ્ટીઓને અને આગેવાનો સાથે મળીને વ્યૂહરચના અંગે ચર્ચા થઇ હતી. જ્યારે 1લી ઓગસ્ટે સુરત સમસ્ત પાટીદાર સમાજની બેઠક મળવાની છે. જેમાં રાજ્યસભામાં પરચો બતાવવાની ચર્ચા થશે..