મોરબી પુલ દુર્ઘટના : ઓરેવાના ગૃપ એમડી જયસુખ પટેલ વિરુધ ધરપકડ વૉરંટ ઇસ્યૂ

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (11:02 IST)
જયસુખ પટેલે પોતાની સામે ઇસ્યૂ થયેલા ધરપકડના વૉરંટથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી છે.
 દેશ અને દુનિયાને આઘાતમાં નાખી દેનારી મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ઓરેવા ગૃપના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે પોતાની સામે ઇસ્યૂ થયેલા ધરપકડના વૉરંટથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી છે.
 
શનિવારે કોર્ટે આ અરજી પરની વધુ સુનાવણી માટે 1 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરી મુદત પાડી છે.
 
ઇન્ડિયન એક્સ્પ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગૃપ)ના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે મોરબીના ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં પોતાની ધરપકડ સામે રક્ષણ મેળવવા માટે આગોતરા જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી છે.
 
મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ પીસી જોષીની કોર્ટે, પાંચ દિવસ અગાઉ આપવામાં આવેલી જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર શનિવારે સુનાવણી હાથ ધરી હતી.
 
જોકે, ફરિયાદ પક્ષ દ્વારા આ અરજી પર પોતાનો પ્રત્યુત્તર રજૂ કરવા માટે સમયની માંગણી કરતાં કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.
 
પોલીસના સૂત્રોને ટાંકતા ઇન્ડિયન એક્સ્પ્રેસના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીની મેજિસ્ટરિયલ કોર્ટે જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ ઇસ્યૂ કર્યું છે અને તેમને દેશ છોડીને જતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પણ ઇસ્યૂ કરવામાં આવી છે.
 
ગત 30 ઑક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
 
મોરબી નગરપાલિકા દ્વારા આ પુલનું મેન્ટેનન્સ અને સંચાલન ઓરેવા ગૃપને આપવામાં આવ્યું હતું.
 
યોગ્ય મરામત કર્યા વિના જ આ પુલને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, જેને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
 
આ દુર્ઘટના બાદ જયસુખ પટેલનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
 
પોલીસ સૂત્રોએ ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે, પોલીસ જયસુખ પટેલ સામે પુરાવા એકઠા કરી રહી હતી.
 
જ્યારે તેમની પાસે પૂરતા પુરાવા એકઠા થયા ત્યારે તેમણે જયસુખ પટેલને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા નહોતા.
 
પોલીસે તેમના સરનામા પર તપાસ કરી હતી, જ્યાં તે ન મળી આવતા, પોલીસે છેવટે કોર્ટમાં તેમની ધરપકડ માટેનું વૉરન્ટ અને લૂકઆઉટ નોટિસ ઇસ્યૂ મેળવવા માટે અરજી કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article