અમદાવાદમાં ખાટલા પર સૂતેલા ચોકીદાર-મજૂર પર અજાણ્યો શખસ પાવડો લઈને તૂટી પડ્યો

બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (13:15 IST)
અમદાવાદમાં વધતા હત્યાના બનાવો વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારીનું કામ કરતી વ્યક્તિનું પાવડાથી અજાણી વ્યક્તિ હત્યા કરીને ફરાર થઈ ગઈ છે. હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં હત્યારાએ મજૂરના માથા અને ગળાના ભાગે ઉપરાછાપરી 11 ઘા મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવ સમયે રસ્તા પરથી લોકો અવરજવર કરી રહ્યા હતા. આ ભયાનક દૃશ્યો જોઈને ત્યાથી પસાર થઈ રહેલા 3 યુવક પાછા વળીને ભાગ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દીવાલ બનાવવાનું કામ કોન્ટ્રેકટર દ્વારા ચાલી રહ્યું છે. કોન્ટ્રેક્ટરના 10 મજૂર આ કામ કરી રહ્યા છે. ગઈકાલે રાતે 9:15 વાગ્યા આસપાસ તળાવ પાસેથી 30 વર્ષીય મજૂર લાલા સંગાડાની ખાટલમાંથી લાશ મળી હતી. લાશના ગળા તથા માથામાં ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઓ થયેલી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહની ઓળખ કરાવી હતી. ત્યારે લાશ ત્યાં દિવસે મજૂરીકામ કરનાર અને રાતે ચોકીદારી કરનારી વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપસ્યા ત્યારે એક અજાણી વ્યક્તિ ખાટલા પર સૂતેલા મજૂરને બાજુમાં પડેલો પાવડો લઈને આડેધડ ઘા મારવા લાગી હતો. મજૂર સૂતો હતો, જેથી બચવાનો વધારે પ્રયત્ન પણ ના કરી શક્યો. હત્યારાએ ઉપરાછાપરી માથા અને ગળામાં 11 ઘા મારતાં મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યારો હત્યા કરીને શાંતિથી ચાલતો ચાલતો પાવડો લઈને જતો પણ દેખાઈ રહ્યો હતો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર