ગુજરાત સરકારમાં ફેરફાર કરવાની દિશામાં ચહલપહલ શરૂ થઇ ગઇ હતી અને વિજય રૂપાણી સરકારે શપથ લીધા એ પહેલાંજ નક્કી કરી લેવામાં આવ્યું હતું કે લોકસભાના ઇલેકશન પહેલાં રૂપાણી પાસેથી રાજીનામું લઇને મુખ્ય પ્રધાનપદે અન્ય કોઇ સક્ષમ અને આક્રમક નેતાને સોંપવું, પણ આ આખો દાવ હાર્દિક પટેલે ઊંધો વાળી દીધો અને હાર્દિકે અનાયાસ વિજય રૂપાણીનું મુખ્ય પ્રધાનપદ હવે બચાવી લીધું છે. ગુજરાતના મુખ્ય પ્રધાનપદમાં ચેન્જ કરવાની દિશામાં કામ શરૂ થઇ ગયું હતું. અને નવા મુખ્ય પ્રધાનપદ માટે છાનાખુણે સેન્સ લેવાનું કામ પણ શરૂ થઇ ગયું હતું. બીજેપીમાં અંદરખાને ચાલી રહેલી આ એકિટવિટીની હાર્દિકને ખબર પડતાં હાર્દિકે આ વાત જાહેર કરી દીધી, જેને લીધે હવે એવો ઘાટ ઊભો થયો છે કે બીજેપી સ્થિતપ્રજ્ઞ થઇ ગઇ છે. જો હવે નજીકના સમયમાં વિજય રૂપાણી પાસેથી રાજીનામું લેવામાં આવે તો હાર્દિક સાચો પડી જાય અને ગુજરાતના પોલિટિકસમાં એનું ઇમ્પોર્ટન્સ વધી જાય, જે બીજેપી સાંખી શકે એમ નથી અને હાર્દિકને સાચો ન પડવા દેવો હોય તો વિજય રૂપાણીને પદ પર સ્થિત કરવા પડે.