ગુજરાતમાં રાહુલગાંધીએ જ્યારથી પાટીદારોના ખોડલધામ નરેશની મુલાકાત લીધી છે ત્યારથી કોઈપણ પક્ષ હોય તેમને મળવા માટે લોકો હવે દોડતા થઈ ગયાં છે. રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત વખતે તેમને કહ્યું હતું કે, 'તમારા માટે અમારા દરવાજા ખુલ્લા જ છે.' ત્યાર પછી વિજય રૂપાણી પણ નરેશ પટેલ સાથે ગુફ્તેગૂ કરી ગયા. ત્યારે રાજકોટમાં આવેલા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે, 'નરેશ પટેલ સમાજના આગેવાન છે, જો તેમને કોંગ્રેસ પક્ષ આગળ કરતો હોય તો સારી વાત છે. અમે બધા સાથે મળી સારુ પરિણામ લાવીશું.'
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનાર છે તેની સામે કોંગ્રેસમા સક્ષમ ધારાસભ્ય ઇન્દ્રનીલ ફાઇટ આપવાના છે ત્યારે હાર્દિક એન્ડ કંપનીએ વિજયભાઇ અને ભાજપને ફટકો આપવા રાજકોટ પસંદ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક રાજકોટમાં રહી ભાજપને માત આપવાનો પ્લાનિંગ કરી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અહીં જ મકાન ભાડે રાખી રણનીતિઓ ઘડવામાં આવશે. રાજકોટમાં યુવાનો સાથે હાર્દિકે બેઠકનો દોર પર શરૂ કરી દીધો છે. થોડા સમય પહેલા મોદીએ રાજકોટ 9 કિલોમીટર જેટલો રાજકોટના આજી ડેમથી લઇ એરપોર્ટ સુધી રોડ શો કર્યો હતો. હાર્દિક આ જ રૂટ પર રોડ શો કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ માટે હાર્દિક બેઠક કરી રણનીતિ ધડી રહ્યો છે. આગામી દિવસોમાં હાર્દિકનું ફોકસ રાજકોટ રહે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.