અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં મધરાતે 14 કિલો સોનાની લૂંટ
શનિવાર, 26 નવેમ્બર 2016 (12:16 IST)
અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી કેશ લોજિસ્ટિક કંપનીમાં ગઈ કાલે મોડી રાત્રે ત્રાટકેલા બે લૂંટારાએ 14 કિલોથી વધુ સોનાની સનસનીખેજ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. લૂંટારાંએ ફરજ પર હાજર એક ચોકીદારના માથા પર હથોડીના ઘા મારી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જોકે, ફરજ પર રહેલો બીજો એક ચોકીદાર કંપનીની ગાડીમાં જઈને સૂઈ ગયો હોવાથી તે બચી ગયો હતો. ટીવી રિપોર્ટ્સ અનુસાર આ ઘટનાની જાણ અન્ય એક સિક્યોરિટી ગાર્ડ ફરજ પર આવ્યો હતો ત્યારે થઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી લૂંટારાનું પગેરું મેળવવાના પ્રયાસ શરુ કર્યા છે. લૂંટારાના હુમલામાં ઘાયલ થયેલો સિક્યોરિટી ગાર્ડ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જેની હાલત ખતરાની બહાર છે. પોલીસે જે ગાર્ડ ફરજ દરમિયાન ગાડીમાં જઈને સૂઈ ગયો હતો તેને પોલીસ સ્ટેશન લઈ જઈને તેની પૂછપરછ શરુ કરી છે. જ્યારે, સારવાર લઈ રહેલા ગાર્ડની પણ પૂછપરછ કરીને લૂંટારાના દેખાવ તેમજ તેમને લગતી અન્ય માહિતી મેળવવાના પ્રયાસ શરુ કરાયા છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમની મદદ લઈને લૂંટારાના ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે કેશ અને ગોલ્ડની હેરફેર કરતી કંપનીના વાહનો ટાર્ગેટ કરાયાની ઘટના સામે આવી રહી છે. ત્યારે, મધરાતે ત્રાટકેલા લૂંટારા 10 કિલો જેટલું સોનું લૂંટી ગયાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.