રાજકોટમાં સોની વેપારીનું 70 તોલા સોનું લઇ બંગાળી મેનેજર ફરાર

બુધવાર, 28 જુલાઈ 2021 (10:25 IST)
રાજકોટ શહેરની સોનીબજારમાં વધુ એક વેપારીનું બંગાળી કારીગર લાખો રૂપિયાના કિંમતનું સોનું લઇ રફુચક્કર થઇ ગયાનો બનાવ પોલીસ સુધી પહોંચ્યો છે. જોકે, બનાવની પોલીસે ફરિયાદ લીધા વગર સીસીટીવી ફૂટેજ કબજે કરી ખાનગી રાહે તપાસ શરૂ કરી છે.

મૂળ પશ્ચિમ બંગાળના ફિરોઝભાઇ અલીહસન મલિક નામના વેપારીએ પોલીસમાં જણાવેલી વિગત મુજબ, તે છેલ્લા બાર વર્ષથી રાજકોટમાં રહીને રૈયા નાકા ટાવર પાસેની અનિલ ચેમ્બરમાં મલિક જ્વેલર્સના નામથી ઘરેણાં ઘડવાનું કામ કરે છે. તે સોનીબજારના વેપારીઓ પાસેથી ઘરેણાં લઇ હીરા ઝવેરાત લગાવવાનું કામ કરે છે. તેમને બહારનું કામકાજ રહેતું હોવાથી વતનમાં રહેતા સમનદાસ હરદાનદાસ નામના યુવાનને છ વર્ષ પૂર્વે નોકરીએ રાખ્યો હતો. સમનદાસે ટૂંકા જ સમયગાળામાં પોતાનો વિશ્વાસ કેળવી લીધો હોય તે મેનેજર તરીકે સવારે દુકાન ખોલવાથી લઇ સાંજે દુકાન બંધ કરવા સહિતનું તમામ કામ કરતો હતો. તેના પર પૂરો વિશ્વાસ હોય મંગળવારે સવારે પોતાના નિત્યક્રમ મુજબ દુકાને પહોંચ્યો હતો. પરંતુ દુકાન બંધ હોય પોતાની પાસે રહેલી ચાવીથી દુકાન ખોલી સમનદાસના મોબાઇલ પર સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ બંધ આવ્યો હતો. તે દરમિયાન સોનીબજારના વેપારીઓએ હીરા જડવા માટે આપેલા 70 તોલા સોનાના ઘરેણાંની તપાસ કરી હતી. તપાસમાં લાખોની કિંમતના 70 તોલાના ઘરેણાં જોવા નહિ મળતા મોતિયા મરી ગયા હતા. બાદમાં દુકાનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમનદાસ 70 તોલા સોનાના ઘરેણાં થેલામાં ભરીને જતો જોવા મળ્યો હતો. જેથી તુરંત સમનદાસ જ્યાં રહેતો હતો ત્યાં જઇ તપાસ કરતા તે ત્યાં પણ નહિ મળતા સમનદાસ લાખોની કિંમતના સોનાના ઘરેણાં લઇ રફુચક્કર થઇ ગયાની શંકા દૃઢ બની હતી. દુકાનનો જ કર્મચારી કળા કરી જતા એ ડિવિઝન પોલીસમથક દોડી ગયા હતા અને લાખોની કિંમતના ઘરેણાંનો હાથફેરો કરી તેનો જ મેનેજર નાસી ગયાની વાત કરતા પીઆઇ સી.જી.જોષી સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને દુકાનના સીસીટીવી કબજે લઇ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. જોકે, બનાવની હજુ કોઇ ફરિયાદ પોલીસે નોંધી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર