Morbi Cable Bridge : મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું કહ્યું?

સોમવાર, 31 ઑક્ટોબર 2022 (02:46 IST)
એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે તૂટી પડ્યો છે, જેના પગલે અનેક સહેલાણીઓ મચ્છુ નદીમાં તણાયા છે.

 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે, "મોરબીમાં થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુખી છું. મેં આ અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે."
 
"સ્થાનિક તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે, એનડીઆરએફ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે. વહીવટી તંત્રને ઘાયલોને તાત્કાલિક સારવાર અપાવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે."
 
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે, "મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે."
 
"ઈજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાના તંત્ર સાથે સતત સંપર્કમાં છું."
 
રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા લખ્યું છે કે રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારજનને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપશે.
 
રાહુલ ગાંધીએ લખ્યું છે કે મોરબીની પુલ દુર્ઘટનાથી દુખી છું. આ મુશ્કેલ સમયમાં શોકાતુર પરિવારોને મારી સંવેદના વ્યક્ત કરૂં છું. સાથે જ સૌ કૉંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે દુર્ઘટનામાં ઘાયલ લોકોની સંભવિત તમામ મદદ કરે અને લાપતા લોકોને શોધવામાં મદદ કરે.

 
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું છે કે દુર્ઘટના સમયે 150 લોકો પપલ પર હતા. સાંજે 6:30 વાગ્યે પુલ તૂટ્યો હતો.

પાણીમાં ડૂબ્યા હતા, તેમાંથી ઘાયલ પૈકી 70 જેટલા લોકોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટનામાં અનેક લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
 
મુખ્ય મંત્રી દ્વારા બધા મંત્રીઓને તત્કાલ ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. વડોદરા અને અમદાવાદની બચાવ ટુકડી પણ ત્વરિતપણે મોરબી પહોંચશે.
 
મંત્રી બ્રિજેશ મેરજાએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલી માહિતી પ્રમાણે, દુર્ઘટનામાં 60 વધુ લોકોનાં મોત થયાં છે.
 
મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાએ ટ્વીટ કર્યું છે, "મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના ખૂબ જ કમનસીબ છે. હું સ્થળ પર જ છું. સૌને નમ્ર અપીલ કે આ દુખની ઘડીમાં આપણે સૌ સાથે મળી શક્ય તેટલા લોકોને મદદરૂપ થઈએ."
 
તેમણે ઉમેર્યું છે કે જે જગ્યાએ બચાવકામગીરી ચાલુ છે, ત્યાં ખોટી ભીડ ન કરીએ જેથી રાહતકાર્યમાં કોઈ અડચણ ન આવે.
 
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું છે કે દુર્ઘટના વખતે 150 લોકો પુલ પર હાજર હતા. સાંજે 6:30 વાગ્યે પુલ તૂટ્યો હતો, બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે.

\\\\
 
પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે, "ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. ભાજપ સરકાર સામે સવાલો ઊભા થાય છે કે વર્ષો જૂનો પુલ ઘણા સમયથી બંધ હતો."
 
"નગરપાલિકા અને અન્યોએ એને રિપેર કરવાની જવાબદારી નહોતી લીધી. કોણે જવાબદારી લીધી. કઈ રીતે જવાબદારી લીધી. રિપેરિંગ થયું, તેમાં તજજ્ઞોની ટીમ બનાવીને તેમનો અભિપ્રાય લીધો હતો કે નહીં, જો આવું કર્યું હોત તો આ ઘટના જ ન ઘટત. અને એ કામ નથી કર્યું અને એમાં સેંકડો લોકોના જીવ જવાની શંકા છે, ત્યારે ભાજપે જવાબો આપવા પડશે."
 
આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે, "મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને શ્રદ્ધાંજલિ તેમજ ઘાયલ વ્યક્તિ જલદી સ્વસ્થ થાય એવી પ્રાર્થના."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર