ગુજરાતના ATM કેશલેસ: ગામડાના ખેડૂતોની સ્થિતિ સૌથી ખરાબ
મંગળવાર, 17 એપ્રિલ 2018 (13:18 IST)
રવિવારના રોજ અમદાવાદ શહેરના ઘણાં ATMsમાં પૈસા ન હોવાને કારણે લોકોએ એક ATMથી બીજા ATMના ધક્કા ખાવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ બેન્કોમાં પૈસાની તંગી હોવાની વાત સ્વીકારી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની શહેરી બેન્કોમાં કેશની જેટલી જરુરિયાત છે તેના માત્ર 20 ટકા જ પૈસા મળે છે. અમને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કરન્સી નથી મળી રહી તો અમે ATMsમાં કઈ રીતે પૈસા ભરીએ. અત્યારે લણણીની સીઝન હોવાને કારણે સૌથી વધારે અસર ખેડૂતોને થઈ રહી છે.તેમણે આગળ જણાવ્યું કે, જો આ પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય તો અમે RBI સમક્ષ રજુઆત કરીશુ.
સેટેલાઈટ વિસ્તારમાં રહેતા શમિક દાસ જણાવે છે કે, રવિવારે સાંજે હું અને મારી પત્ની મારી માતાની દવાઓ લેવા માટે બહાર ગયા હતા. અમે પૈસા માટે આનંદનગર રોડ અને બોડકદેવના 6 ATMમાં ફર્યા, પરંતુ એક પણ ATMમાં પૈસા નહોતા. ચીફ સેક્રેટરી જે.એન.સિંહે આ વિષય પર જણાવ્યું કે, અમે બેન્કોની કટોકટી સમજીએ છીએ અને RBI સાથે સતત સંપર્કમાં છીએ. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકારના પણ સંપર્કમાં છીએ.સિંહે આગળ જણાવ્યું કે, ગયા અઠવાડિયે અમે ઉત્તર ગુજરાતમાં RBIના માધ્યમથી પૈસા પહોંચાડ્યા હતા અને મંગળવારના રોજ સુરત પૈસા મોકલવામાં આવશે.