ગુજરાતમાં બે તબક્કામાં યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 324 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાંથી 316 ઉમેદવારોએ પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવી છે. પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. 5 ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે અત્યાર સુધીમાં 8 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. કૉંગ્રેસે ગઇકાલે 9 ઉમેદવારોની અન્ય યાદી જાહેર કરી હતી. રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે.
રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે આ તબક્કાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તારીખ 17 નવેમ્બર સુધીમાં તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકાશે. જેથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેની હોડ લાગી છે. નહીં તો આજે છેલ્લી ઘડીએ ઘણા ઉમેદવારોના ફોર્મ ન ભરાય એવી પણ સ્થિતિ સર્જાય શકે છે. રાજ્યમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન થશે.