જો ગુજરાતમાં સ્કૂલ ચલાવવી હોય તો ગુજરાતી ભણાવવી પડશે’, હાઇકોર્ટનું કડક વલણ

શનિવાર, 17 ડિસેમ્બર 2022 (10:01 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટની એક ખંડપીઠે શુક્રવારે કહ્યું હતું કે સરકારે રાજ્યમાં ચાલતી સ્કૂલોને સ્પષ્ટ જણાવી દેવું પડશે કે જો રાજ્યમાં સ્કૂલ ચલાવવી હોય તો તેમણે ગુજરાતી ભાષા ભણાવવી પડશે.
 
આ સિવાય ખંડપીઠે રાજ્ય સરકારને સૂચવ્યું હતું કે આ બાબતે કાયદાકીય જોગવાઈ પણ કરવી જોઈએ.
 
નોંધનીય છે કે આ ખંડપીઠ અમદાવાદસ્થિત એક એનજીઓ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી હતી, જેમાં અરજદારોએ તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે શીખવવાનો હુકમ કરવાની દાદ માગી છે.
 
માતૃભાષા અભિયાન નામના એનજીઓ અને તેના પાંચ ટ્રસ્ટીઓ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત સરકારના 13 એપ્રિલ, 2018ના ઠરાવનો અમલ કરાવાની માગણી કરાઈ હતી.
 
આ ઠરાવ અનુસાર શાળામાં પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી ફરજિયાતપણે ગુજરાતી ભાષા ભણાવાની છે.
 
અરજદારો અનુસાર ઠરાવ છતાં ઘણી સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવાતી નથી, તેમજ ઘણી સ્કૂલોમાં ગુજરાતી ભાષાને એક વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર