પાક. પર કબજો કરીશું-તાલિબાન

ભાષા

શનિવાર, 9 મે 2009 (16:08 IST)
પાકિસ્તાની સરકારે પોતાના વિરુધ્ધ યુદ્ધ છેડવાનો નિર્ણય લેતા ગુસ્સે ભરાયેલા તાલિબાને પાકિસ્તાની પ્રમુખ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની સહીત દેશના ટોચના નેતાઓને હટાવી દેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમજ પોતાની સત્તા સ્થાપવાની કટીબદ્ધતા જણાવી હતી.

એક તાલિબાની કમાન્ડરે જણાવ્યું હતું કે અમે વિચાર્યુ હતુ કે ધાર્મિક પરિવારના સભ્ય હોવાથી ગિલાનીએ સ્વાત ઘાટીમાં શરીયતના કાયદાનો અમલ કરવાની અમારી માંગણીને મંજૂર કરી હતી. પરંતુ તેમણે અમારી સામે યુદ્ધની જાહેરાત કરતા અમારા તાલિબાની કમાન્ડરો અને લડવૈયાઓ ગુસ્સે ભરાયા છે.

એક અખબાર સાથે ટેલિફોનીક વાતમાં તાલિબાની કમાન્ડરે જણાવ્યું હતું કે સ્વાત ઘાટીમાંથી તાલિબાનોનો સફાયો કરવાની ગિલાનીના નિવેદન બાદ તાલિબાની લડવૈયાઓએ પ્રમુખ, વડાપ્રધાન અને તેમના પરિવારના નિકટના સભ્યો તથા તેમને મદદ કરનારા તમામને હટાવી દેવાનું આયોજન શરૂ કરી દીધું છે.

તેમના આયોજન અંગે બોલતા તાલિબાની કમાન્ડરે જણાવ્યું હતું કે અમારું આયોજન પાર પાડવામાં અમને ચોક્કસ થોડો સમય લાગશે પરંતુ અમારા માટે તે અસંભવ નથી અને અમે અમારી યોજનાના અમલ માટે પાકિસ્તાનમાં કોઈ પણ જગ્યાએ હુમલો કરીશું. તેના માટે અમે સક્ષમ છીએ.

વેબદુનિયા પર વાંચો