જૂનાગઢમાં મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ

W.DW.D

જૂનાગઢ(એજંસી) જૂનાગઢની ભવનાથ તળેટીમાં ગઇકાલે રવિવારે સવારે હર...હર... મહાદેવનાં નાદ્‌-સાથે મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ થયો. જયારે મહાશિવરાત્રીની આગવી ઓળખ સમાન દ્ગિંબર સાધુઓનો અખાડો શરૂ થઇ ગયો છે. શિવરાત્રીના મેળામાં જાણે જીવ અને શિવનો સંગમ થયો હોય તેવું વાતાવરણ જોવા મળે છે. ગિરનારની ગિરીમાળાઓ શિવનાનાદ્‌થી ગુંજી ઉઠી છે. લાખોની સંખ્‍યામાં દેશભરમાંથી શ્રધ્‍ધાળુઓ અને સાધુ-સંતો પૂણ્‍યનું ભાથુ બાંધવા ઉમટી પડયા છે.

જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીનાં મેળામાં ગઇકાલ સવારથી બહારગામથી આવતા ભાવિકોની ધીમી શરૂઆત થયા બાદ સાંજે શહેરીજનો મેળામાં ઉમટી પડતા આજના દિવસે આશરે એકાદ લાખ ભાવિકોની હાજરી નોંધાઇ હતી.

મેળા ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે રવિવારે આખા દિવસ દરમ્યાન આશરે એકાદ લાખ ભાવિકો મેળામાં આવ્યા હતા. ગત વર્ષે પ્રથમ ૩ દિવસો સુધી મહાશિવરાત્રીનાં મેળામાં માંડ પાંચેક હજાર ભાવિકોની હાજરી જણાતી હતી. તેમાં આ વર્ષે એકંદરે વધારો થયો છે. જ્યારે ઉતારાઓનાં ડીમોલેશનને પગલે ભવનાથ મેઇન રોડ પહોળો બન્યો હોઇ ત્યાં પહેલા જેટલી ભીડ નથી જણાતી.

ગઇકાલે મેળામાં જિલ્લા વહીવટીતંત્ર આયોજક સાંસ્કૃતિક કાર્યક્રમનું રાજયનાં નાણામંત્રી વજુ ભાઇ વાળાએ ઉદ્ઘાટન કર્યુ હતું. દરમ્યાન ભવનાથ તળેટી ખાતે અન્નાક્ષેત્રોનાં રસોડા ધમધમવા લાગ્યા છે. તો વળી રમકડાનાં સ્ટોલ વાળાઓ, ચકડોળ, જુદી-જુદી રાઇડોમાં ગઇકાલે અને આજે સાંજે શહેરીજનોએ ભારે ઘસારો કર્યો હતો.

મેળા માટે મઘ્યપ્રદેશના ઇન્દોરથી રૂદ્રાક્ષ વેચવા આવેલી લક્ષ્મી નામની યુવતિએ કહ્યું હતું અમને અહીં પાંચ દિવસમાં એકાદ માસના ખર્ચા પાણી નિકળી જાય. અને પોલીસ હટાવે એ અમારા માટે કાંઇ નવું નથી. અમેતો બીજે જઇને વેચીશું. કારણ કે, અહીં માલ ન વેચીએ તો બીજે કયાં જવું એ મોટો પ્રશ્ન છે.

આમ, ભવનાથ ખાતે મેળાનું વાતાવરણ ધીમે ધીમે જામી રહ્યું છે. મહાશિવરાત્રીના મેળામાં આ વખતે સુરક્ષાનાં ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત જિલ્લા ભરની કાયદો વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવાની હોઇ અમરેલીના એસ.પી. સંદિપસીંઘને જૂનાગઢના એસ.પી. શૈલેષ કટારાના માર્ગદર્શન હેઠળ ખાસ ફરજ પર મુકાયા હોવાનું આઇ.જી. મોહનકુમાર ઝા એ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો