AAPમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે

શુક્રવાર, 26 એપ્રિલ 2024 (13:10 IST)
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમણે ગત 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું. જ્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. 
 
પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરાઈ
આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ભાજપ દ્વારા પ્રસિદ્ધ થયેલી પત્રિકામાં જણાવવામાં આવ્યુ છે કે, શનિવારે રાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સુરત ખાતે ભાજપમાં જોડાશે. 
 
આપમાંથી રાજીનામું આપતા અલ્પેશ કથીરિયાએ શું કહ્યું હતું
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પણ આપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું હતું. અલ્પેશ 2022માં વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. કુમાર કાનાણી સામે અલ્પેશ કથીરિયાની હાર થઇ હતી. અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે કોઈ મનદુખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈ રાજીનામું આપ્યું છે. ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. મુકેશ પટેલ સામે ધાર્મિક માલવિયાની હાર થઇ હતી.ભાજપમાં જોડાવવાની ચર્ચા પર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે લોકોને મળીશ,ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ. હું મારી ટીમને મળીશ દરેકના અભિપ્રાય લઈને નિર્ણય કરીશ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર