ગુજરાતમાં મંત્રીમંડળ વિવાદ - હવે નીતિન પટેલ નવા મુખ્યમંત્રી હેઠળ કામ કરવા નથી તૈયાર
ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (12:43 IST)
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલે શપથ લીધા હોય, પરંતુ અત્યાર સુધી તેમના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. ગુજરાતમાં 'નો રિપીટ ફોર્મ્યુલા'ના કારણે ઘણા મંત્રીઓના જીવ અધ્ધર થયા છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે પદ અને ગોપનીયતાના શપથ લેશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરી શકે છે. સૂત્રો તરફથી એવી પણ માહિતી છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 90 ટકા નવા ચહેરાઓ હશે.
મંત્રીઓના નામ પર સસ્પેંસ કાયમ
ભાજપે હજુ સુધી મંત્રીઓના નામની જાહેરાત કરી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 27 મંત્રીઓ આજે શપથ લેશે. ભાજપના 'નો રિપીટ' ફોર્મ્યુલાની પૃષ્ઠભૂમિમાં, મંત્રી પદના ચહેરાઓ પર સસ્પેન્સ છે જેમના નામોની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે, એવુ જાણવા મળ્યુ છે કે જેમને મંત્રી બનાવવામાં આવશે તેમને હવે શપથગ્રહણ સમારોહ માટે ફોન-કોલ મળવા લાગ્યા છે. પાર્ટીએ અગાઉ કહ્યું હતું કે શપથગ્રહણ સમારોહ બુધવારે યોજાશે. શપથ ગ્રહણ સમારોહ માટે રાજભવન પરના પોસ્ટરોમાં 15 સપ્ટેમ્બરની તારીખ પણ લખવામાં આવી હતી. પરંતુ મંત્રીમંડળમાં મોટાભાગના નવા ચહેરાઓને સામેલ કરવા અંગે નારાજગીના ઉભી થતા શપથ સમારોહ બુધવારે મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત સરકાર કે ભાજપે આ માટે કોઈ કારણ આપ્યું નથી.
બીજેપી કેમ અપનાવી રહી છે નો રિપીટ ફોર્મ્યૂલા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના નેતૃત્વએ આ વખતે નવા ચહેરાઓને અજમાવવાનું નક્કી કર્યું છે અને લગભગ તમામ જૂના મંત્રીઓને પણ પડતા મૂક્યા છે. અગાઉના રૂપાણી સરકારનો ભાગ રહેલા કેટલાક વરિષ્ઠ મંત્રીઓને પણ ટાટા-બાય બાય કહી દેવામાં આવ્યુ છે. જોકે, આ અંગે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઘણા માને છે કે 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 'નો રિપીટ' ફોર્મ્યુલાનો પ્રસ્તાવ આવ્યો છે, કારણ કે બે દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ સ્વચ્છ સ્લેટ સાથે મતદારો પાસે જવા માંગે છે.
શુ પાર્ટીનો અંદરોઅંદર ક્લેશ છે શપથવિધિના અવરોધનુ કારણ ?
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદના અહેવાલોને ફગાવી દીધા છે. “કેબિનેટની રચનામાં કોઈ સમસ્યા નથી. બધું નિયંત્રણમાં છે. ' આ ઉપરાંત પાટીલે નાયબ મુખ્યમંત્રી કોણ બનશે અથવા આ પદ હટાવવામાં આવશે તે અંગે અનુમાન લગાવવાનો પણ ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મજબૂત પાટીદાર નેતા નીતિન પટેલ વિજય રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા.
પટેલ મંત્રી બનવા તૈયાર નથી
બીજી બાજુ પાટીદારોના મજબૂત નેતા નીતિન પટેલ, જેમને મુખ્યમંત્રી ન બનાવાતા નારાજ હોવાનું કહેવાય છે, હવે તેઓ પોતે જ મંત્રી બનવા માંગતા નથી. જો સૂત્રોની વાત માનીએ તો પાર્ટી ઇચ્છે છે કે તેઓ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રહે, પરંતુ તેઓ પોતે નવા મુખ્યમંત્રી હેઠળ કામ કરવા માંગતા નથી.