વિજય રૂપાણીની આગેવાની વાળી ગુજરાતની ભાજપ સરકાર ૩૧ મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરૂણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે ૩૧ જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે. ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ નદી, તળાવો, કેનાલ્સ તેમજ પાણીનો સંગ્રહ કરતા અન્ય સંસાધનોને ઉંડા કરવામાં આવ્યા હતા જેથી ચોમાસામાં સિંચાઈ માટેનું પાણી વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય. બુધવારે થયેલી રાજ્યની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં સારો વરસાદ પડે તેની પ્રાર્થના કરવા માટે ૩૧મી મેના રોજ પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.