દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ શનિવારે મુંડકામાં એ બિલ્ડિંગની મુલાકાત લીધી જ્યાં શુક્રવારે થયેલા અગ્નિકાંડમાં 27 લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલે અધિકારીઓ પાસેથી સ્થિતિની જાણકારી લીધા બાદ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ સાથે દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન નજીક સ્થિત ચાર માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં શુક્રવારે સાંજે આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે. તેમણે જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે 30 થી વધુ ફાયર ટેન્ડરોને સેવામાં દબાવવામાં આવ્યા હતા.