અમદાવાદમાં થઈ સૌથી મોટી ગાંઠની સર્જરી, 24 સેમી કેન્સરની ગાંઠ કાઢી યુવતીને આપ્યું નવજીવન

શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (14:00 IST)
સરકારી હોસ્પિટલ સિવિલને લઇને ઘણીવાર કેટલાંય છબરડાં જોવા મળતા હોય છે કે લોકોનો આ સરકારી હોસ્પ્ટલ પ્રત્યે ભરોસો દિવસે ને દિવસે ઓછો થઈ રહ્યો છે પણ તાજેતરમાં આ હોસ્પિટલની ડોક્ટર ટીમે એવી સર્જરી કરી બતાવી છે જે દેશના નહીં પરંતુ વિશ્વના કોઈપણ ડોક્ટર માટે ખૂબ જ અઘરી હોય છે. પોરબંદરની વતની 24 વર્ષીય ગાયિકાને કેન્સરની ગાંઠનું નિદાન થયું હતું. સામાન્ય રીતે મહિલામાં પાંચથી 10 સેન્ટીમીટરની ગાંઠને બદલે આ યુવતીમાં 24 બાય 18 સેમીની કેન્સરની ગાંઠ હતી. જે સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલનાં સર્જનોની ટીમે દૂર કરી  યુવતીને નવું જીવન આપ્યું છે. અમદાવાદમાં પહેલીવાર આટલી મોટી ગાંઠની સર્જરી હાથ ધરવામાં આવી હતી અને ડોક્ટર્સને તેમાં સફળતા પણ મળી છે. આખા વિશ્વમાં આટલી મોટી કેન્સરની ગાંઠના માત્ર 300 કેસ જ છે.
ગાંઠ શરીરનાં અવયવોને લોહી પહોંચાડતી નસ સાથે જોડાયેલી હોવાથી જો સર્જરીમાં નાની અમથી પણ ચૂક થાય તો તેનું મૃત્યુ થવાની પણ શક્યતા હતી. આ સર્જરીને મેડિકલ જર્નલમાં પબ્લિશ કરવામાં આવશે. આ યુવતીને ‘સોલીડ સ્યૂડો પેપીલેરી એફિથેલીયલ નિઓ પ્લાસમ(એસપીઇએન)’ 24 બાય 18 સેન્ટીમીટરની મોટી ગાંઠ હતી. બાયોપ્સી કરતાં એક્ટોપિક પેન્ક્રિયાસને લીધે થયાનું જાણવા મળ્યું હતું. પેન્ક્રિયાસ(સ્વાદુપિંડ)નાં કેન્સર માટે વિપલ સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી અગાઉ સ્વ. અભિનેત્રી નરગીસ દત્ત પર પણ બે વાર થી હતી પરંતુ સર્જરી સફળ ન થતાં તેમનું મૃત્યુ થયું હતું. આ ગાંઠ સાથે લોહીની મુખ્ય નસો જોડાયેલી હોવાથી સાવચેતી જરૂરી છે.
દર્દીના શરીરમાં સ્વાદુપિંડ(પેન્ક્રિયાસ) તેની મૂળ જગ્યાએ હોય છે પણ જન્મજાત ખામીથી પેન્ક્રિયાસનો કેટલોક ભાગ અલગ જગ્યાએ વિકાસ પામે છે, જેને કારણે આવી ગાંઠ થતી હોય છે. દર્દીની ઉંમર વધતાં ગાંઠ મોટી થતાં પેટમાં દુખાવા જેવી સમસ્યા થાય છે અને ત્યારબાદ તે કેન્સર સ્વરૂપે જીવલેણ સાબિત થતી હોય છે. જો કે, અમદાવાદમાં આ સર્જરીની સફળતા બાદ આ રોગથી પીડાતા અન્ય દર્દીઓનો જીવ બચાવવો પણ હવે શક્ય બનશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર