પાસના કન્વિનર દિનેશ બાંભણિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી
સોમવાર, 20 નવેમ્બર 2017 (12:10 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના ઉમેદવારી માટે કોંગ્રેસ હાઇકમાન્ડે 77 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમા PAAS નાં ત્રણ કન્વીનરોને જ ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે PAAS કાર્યકર્તાઓમાં રોષની લાગણી પ્રવર્તી છે જેને લઇ તેઓ સુરતમાં કોંગ્રેસનો સખત વિરોધ કરી રહ્યા છે. પાસ અને કોંગ્રેસમાં મોટુ ભંગાણ જોવા મળી રહ્યું છે. હાલમાં ભરત સિંહ સોલંકીનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થિતિને જોતા અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં પણ કોંગ્રેસનાં કાર્યાલયોને બંધ કરી દેવામા આવ્યા છે.
યાદી બહાર આવતા જ માત્ર ત્રણ કન્વીનરોને ટિકિટ અપાતા દિનેશ બાંભણીયા તથા અલ્પેશ કથિરિયાના વડપણ હેઠળ પાસના કાર્યકરો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નિવાસસ્થાને ધસી ગયા હતા. બાંભણીયાએ કહ્યું હતું કે કોને પૂછીને પાસના કન્વીનરોને ટિકિટ આપવામાં આવી છે ? ભરતસિંહ નહીં મળતા તેમણે તેમને મળવાનો આગ્રહ રાખ્યો હતો. દરમિયાનમાં અલ્પેશ કથિરિયાને કોંગ્રેસના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક તબક્કે કથિરિયાએ કોંગ્રેસના લુખ્ખા જેવો શબ્દ વાપરતા ભડકો થયો હતો. જોતજોતામાં સુરત, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ વગેરે શહેરોમાં પણ બંને પક્ષ વચ્ચે કમઠાણ શરૂ થઈ ગયું હતું. PASS કન્વીનર દિનેશ બાંભણિયાનો આરોપ છે કે, ભરોસો કર્યા વિના કોંગ્રેસે PASS નાં નેતાઓને ટિકિટ આપી છે. બાંભણિયાએ તરત પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, તેણે પાન, ગુટખા ખાઈને તથા દારૂ પીને અમારી સાથે ગેરવર્તન કર્યું છે, તેમની હરકતની તપાસ થવી જોઈએ. યાદી જાહેર થતાની સાથે સુરતમાં પાસ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતાં. પાસના કાર્યકરો બાઇક લઈને નીકળી પડ્યા હતા. નિલેશ કુંભાણીને ઓફિસ પર મારામારી બાદ ત્યાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ પપન તોગડિયાને ત્યાં જઈ તોડફોડ કરી હતી. ત્યાંથી કતાર ગામમાં પૂતળા બાળ્યા હતા. છેલ્લે તેઓ ભટાર રોડ પહોંચ્યા હતાં. લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસ અગ્રણી નૈષધ દેસાઈના ભટાર ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઘૂસી ગયા હતા અને ત્યાં મોટા પાયે તોડફોડ કરી હતી.