મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કર મહિલાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી, ભાજપ કોંગ્રેસમાં પણ બળવો

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2017 (17:49 IST)
મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કર મહિલા ચંદ્રીકાબેન સોલંકીએ અપક્ષ ઉમેદવારી કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે. કોંગ્રેસે ટિકિટ ન આપતા ચંદ્રીકાબેને અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. ચંદ્રીકાબેને જણાવ્યુ હતુ કે, જનતા અને આશા વર્કર્સના અવાજને ઉપર સુધી લઇ જવા માટે મેં અપક્ષ ઉમેદવારી કરી છે. તો બીજી તરફ વાઘોડિયા બેઠક પર ભાજપ-કોંગ્રેસના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી કરતા રાજકીય મોરચે ખળભળાચ મચી જવા પામ્યો છે.

કોંગ્રેસે વાઘોડીયા બેઠક પર બીટીએસ સાથે ગઠબંધન કરીને બીટીએસના ઉમેદવાર પ્રફૂલ વસાવાને ટિકિટ ફાળવી છે. જેને કારણે કોંગ્રેસમાંથી ટિકિટ માંગનાર રાજુ અલવાએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી છે. જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ફરીથી ટિકિટ આપી છે. જેને કારણે વાઘોડીયા બેઠક પર ઘણા સમયથી ટિકિટ માટે મહેનત કરી રહેલા ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બળવો કર્યો છે. અને અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જેને કારણે વડોદરાના નર્મદા ભવન, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી ખાતે સવારે 11 વાગ્યાથી જ ઉમેદવારોનો ઉમેદવારી ફોર્મ ભરવા માટે ધસાસો જોવા મળ્યો હતો. વડોદરાની સયાજીગંજ બેઠક પર ભાજપના જીતેન્દ્ર સુખડીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જેને કારણે વડોદરાના મેયર ભરત ડાંગરનું ચૂંટણી લડવાનું સ્વપ્ન રોળાઇ ગયુ છે. સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસના નરેન્દ્ર રાવતે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. તો અકોટા બેઠક પર ભાજપના સીમાબેન મોહીલેએ ઉમેદારી ફોર્મ ભર્યુ હતુ. જેમની સામે કોંગ્રેસના રણજીત ચવ્હાણે ઉમેદવારી કરી હતી. 

સંબંધિત સમાચાર

Next Article