ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ATSને મળેલ માહિતી અનુસાર અમદાવાદ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલ પર મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન વિનસ હોટલમાં રોકાયેલ વ્યક્તિ કે જેના કમરના ભાગે લોડેડ ગન હતી અને પોલીસને જોતાં જ તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું પરંતુ અમારા બાહોશ પોલીસ અધિકારીઓએ તેનું નિશાન ચૂક કરાવીને તેને ઝબ્બે કરી લીધો છે. બીજો સાગરિત તેની સાથે હતો એ ફરાર છે તેને પણ ઝડપથી પકડી લેવામાં આવશે એ માટે ATS દ્વારા પ્રયાસો જારી છે.
એટીએસ દ્વારા છોટા શકીલની ગેંગનો જે શંકાસ્પદ વ્યક્તિ પકડી લેવાયો છે તેની તપાસ કરતાં તેના મોબાઈલમાંથી જે વિગતો મળી છે એ મુજબ રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા સહિત અનેક નેતાઓ ટાર્ગેટ પર હતા. વધુ તપાસ બાદ જ ક્લિયર થશે કે આ વ્યક્તિઓના મનસૂબા શું હતા. આ ષડયંત્રમાં કોઈ પણ વ્યક્તિ શંકાના દાયરામાં આવશે તો તેને રાજ્ય સરકાર છોડશે નહીં. આ બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધો છે અને રાજ્યના પોલીસ તંત્રને સરકાર દ્વારા સતર્ક કરી દેવાયું છે.