'મોક્ષ ધામ' તરીકે ઓળખા ગંગાસાગરમાં ૮૫૬મી રામકથા કરશે મોરારીબાપુ

બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (20:29 IST)
આપણી સનાતન ધર્મ પરંપરામાં પ્રત્યેક તીર્થનો પોતાનો આગવો મહિમા છે. ભારત વર્ષ એક એવું રાષ્ટ્ર છે, જ્યાં સનાતન ધર્મ સંસ્કૃતિની ધારા યુગોથી નિરંતર વહી છે. પ્રકૃતિનાંતત્વોને દેવત્વ પ્રદાન કરીને આપણે તેને પૂજ્યાં છે. એટલે જ આપણે નદીઓને મા નું બિરુદ આપ્યું છે. આપણા દેશમાં ગંગામૈયા સૌથી પવિત્ર નદી રૂપે પૂજ્ય છે. ગંગોત્રીથી નીકળીને ગંગા પશ્ચિમ બંગાળના સાગરમાં સમાઈ જાય છે. ગંગા અને સાગરના સંગમ સ્થાન "ગંગાસાગર"  છે. તેને 'સાગર દ્વીપ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો એને 'મોક્ષ ધામ' તરીકે ઓળખે છે. મકરસંક્રાંતિના દિવસે અહીં દુનિયાભરના સનાતન ધર્મ પ્રેમીઓ મોક્ષની કામના સાથે ગંગાસાગરમાં ડૂબકી લગાવી, ધન્યતાનો અનુભવ કરે છે.
 
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના જિલ્લામાં આવેલ આ તીર્થસ્થાન પર કપિલ મુનિનું મંદિર છે. કપિલ મુનિ વિષ્ણુ ભગવાનનો અવતાર મનાય છે, જેમણે ભગવાન રામના પૂર્વજ અને ઇક્ષ્વાકુવંશના રાજા સગરના સાઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કરવા માટે ગંગાવતરણ માટે તપસ્યા કરવાનો માર્ગ રાજા ભગીરથને બતાવ્યો હતો.
 
એક સમય એવો હતો, જ્યારે અહીં આવવું અત્યંત કઠિન હતું. અને એટલે જ એવી કહેવત પડી કે- "અન્ય તીર્થ વારંવાર પણ ગંગાસાગર એકવાર...!" જો કે આજે સંચાર માધ્યમોનીઉપલબ્ધતા વધી ગઈ છે, ત્યારે હવે ગંગાસાગરની યાત્રા સરળ બની છે.
 
સનાતન ધર્મ પરંપરાના આ પાવન તીર્થ પર પૂજ્ય મોરારીબાપુના મુખેથી રામકથાનું ગાન થવાનું છે. એમના કુલ કથા ક્રમની ૮૫૬મી અને આ તીર્થધામમાં થઈ રહેલી આ બીજી રામકથા છે. અગાઉ અહીં બાપુની ૪૩૪મી કથા, માર્ચ ૧૯૯૨માં "માનસ કપિલ ગીતા" શિર્ષક અંતર્ગત ગવાઈ હતી. એ રીતે ગંગા અને સાગરનાં મિલન સ્થાન પર રામ કથા રૂપી "જગ પાવની ગંગા" નો ત્રિવેણી સંગમ રચાશે. 
 
૨૯ વર્ષના લાંબા અંતરાલ પછી આ ધન્ય ધરાને વિશેષ ધન્યતા પ્રદાન કરવા માટે તલગાજરડી વૈશ્વિક વ્યાસપીઠ પધારી રહી છે. જેના યજમાન કલકત્તાના અરુણભાઈ શ્રોફ છે. અરૂણભાઇ વ્યાસપીઠના સમર્પિત ફ્લાવર છે. જેમણે વ્યક્તિગત રીતે ચાર અને સહયોગી યજમાન તરીકે ચાર રામ કથાના યજમાન બનવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. વ્યાસપીઠના નિમિત્ત માત્ર યજમાન બનવાનો તેમને માટે આ નવમો પ્રસંગ છે. 
 
ધન્યતા અનુભવતા તેઓ ગદગદ્ સ્વરે કહે છે કે વ્યાસપીઠ તરફનો ભાવ કેવળ અનુભવી શકાય, શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકાય!"..... ગત વર્ષે અરૂણજીના યજમાન પદે અંદામાન-નિકોબાર માં સૌ પ્રથમ વાર યોજાયેલી ઐતિહાસિક રામકથા ગવાઈ હતી. અરૂણભાઇ કહે છે કે પૂજ્ય બાપુની કૃપાથી ત્રણ દાયકા પછી આ પવિત્ર તીર્થમાં કથા કરાવવાનો મારો મનોરથ પૂર્ણ થાય છે એનો મને ખૂબ આનંદ છે.” 
 
હજી કોરોના સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી. તેથી સીમિત શ્રોતાઓ માટે જ અહીં વ્યવસ્થા કરી છે.  આમંત્રણ વિના કોઈપણ શ્રાવકે પધારવું નહીં, એવી આયોજકે સહુને વિનંતી કરીછે. તલગાજરડી વૈશ્વિક વ્યાસપીઠનાશ્રોતાઓ ટીવી અને યુટ્યુબનામાધ્યમથી કથાનો શ્રવણ લાભ પ્રાપ્ત કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર