છેલ્લા 24 કલાકમાં 40 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, હજી ચાર દિવસ માવઠાની આગાહી

બુધવાર, 3 મે 2023 (14:36 IST)
આગામી 3, 4, 5 અને 6 મેના રોજ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં  સાતમી મે બાદ માવઠાનું સંકટ દૂર થશે
 
ગુજરાતમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે. માવઠાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. કેરી સહિતના પાકોને માવઠાને કારણે મોટુ નુકસાન પહોંચ્યું છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે સાંજે સાડા છ વાગ્યા સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 
 
આ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ
હવામાન વિભાગ પ્રમાણે આગામી સમયમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી,જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આજે સાંજે 6.30 વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં સવા ઈંચ, વિસાવદર,મહેસાણા,માણાવદર, ઉપલેટામાં 1- 1 ઈંચ, ભુજ,વિસનગર,મોડાસા, ખેડબ્રહ્મામાં પોણો ઈંચ, વિજાપુર, સાયલા, અંજાર, લખતર, સરસ્વતી અને પાલનપુરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 
 
ચાર દિવસ બાદ માવઠાનું સંકટ દૂર થશે
હવામાન વિભાગ પ્રમાણે હજી ચાર દિવસ માવઠાની આગાહી યથાવત રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ચાર દિવસ બાદ માવઠાનું સંકટ દૂર થશે. આગામી 3, 4, 5 અને 6 મેના રોજ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાતમી મેથી માવઠાનું સંકટ દૂર થવાની શક્યતાઓ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જેના કારણે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર