લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલને કૉંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં કેમ સ્થાન અપાયું?

મંગળવાર, 26 માર્ચ 2019 (11:15 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા અને તાજેતરમાં જ કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને ઉત્તર પ્રદેશમાં પહેલા અને બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલ આ યાદીમાં સ્થાન મેળવનારા ગુજરાત કૉંગ્રેસના એકમાત્ર નેતા છે. હાર્દિક પટેલને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ, ગુલામ નબી આઝાદ, કૅપ્ટન અમરિન્દરસિંઘ જેવા 40 દિગ્ગજ અને વરિષ્ઠ નેતાઓની સાથે આ યાદીમાં સ્થાન મળ્યું છે. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશ તથા બિહારના પ્રવાસ ખેડ્યા હતા અને નીતિશ કુમાર તથા અખિલેશ યાદવ જેવા નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. 
 
25 વર્ષીય હાર્દિક પટેલ ગત 12મી માર્ચે અડાલજ ખાતે કૉંગ્રેસની જનસંકલ્પ રેલી દરમિયાન કૉંગ્રેસમાં જોડાયા હતા.
 
શા માટે હાર્દિકનું મહત્ત્વ?
 
હાર્દિક પટેલ ગુજરાતમાં પાટીદાર નેતા તરીકે જ જાણીતા છે અને પાટીદાર અનામત વખતે તેમણે દેશમાં વિવિધ વિસ્તારોમાં પ્રવાસ ખેડ્યો હતો.
હાર્દિક પટેલની ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઊભું કરવામાં ચાવીરૂપ ભૂમિકા રહી છે.તેમની સભામાં હજારો માણસો આવતા હતા અને હાર્દિકની સભાઓ માનવમેદનીથી છલકાતી હતી.ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની અનેક બેઠકો ઉપર કુર્મીઓ 6થી 11 ટકા વસતી ધરાવે છે.
 
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ મામલે જણાવ્યું :"હાલની યાદી ઉત્તર પ્રદેશના પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે."
"એ પ્રમાણે જે જરૂરિયાત ઊભી થઈ હોય એ રીતે નામો તૈયાર કરાયાં હોય અને જવાબદારી વહેંચવામાં આવી હોય." ધાનાણીએ ઉમેર્યું, "આ પ્રકારની યાદી અલગઅલગ રાજ્યોમાં, અલગઅલગ તબક્કાઓની ચૂંટણીની જરૂરિયાતના આધારે તૈયાર કરાતી હોય છે."
 
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય નાયક સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી. આ મામલે વાતચીત કરતા અજય નાયકે જણાવ્યું, "વર્ષ 2015માં જે રીતે હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પાટીદારોને એકઠા કર્યા હતા."
 
"એ રીતે હાર્દિકનો 'ક્રાઉડ પુલર' તરીકે ઉપયોગ કરવા માટે સ્ટાર પ્રચારકની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ કરાયું હોય એવું બની શકે."
 
"બીજું કારણ એ છે કે હાર્દિકને ચૂંટણી લડવા પર હજુય અનિશ્ચિત્તા પ્રવર્તતે છે."
 
"હાર્દિકને કૉંગ્રેસમાં સામેલ કર્યા બાદ આ ચૂંટણીમાં એમનો શો ઉપયોગ કરી શકાય એ બાબત ધ્યાનમાં રાખીને પણ તેમને આ યાદીમાં સ્થાન મળ્યું હોય."
 
કયા નેતાનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવો એ અંગે કૉંગ્રેસનો બહોળો અનુભવ હોય હાર્દિકનો સમાવેશ સ્ટાર પ્રચારકની યાદીમાં કરાયો હોવાનું પણ નાયક માને છે.
 
અજય નાયક માને છે, "આ રીતે કૉંગ્રેસ હાર્દિકનું પાણી પણ માપવા માગતી હોય એવું બની શકે. હાર્દિક નામના 'તલમાં કેટલું તેલ' છે એ જાણવા પણ તેમના નામનો આ યાદીમાં સમાવેશ કરાયો હોઈ શકે."કૉંગ્રેસનું સ્થાન ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ, બહુજન સમાજપક્ષ અને ભારતીય જનતા પક્ષ બાદ ચોથા નંબરે આવે છે. ત્યારે કૉંગ્રેસને હાલની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં કશુંય ગુમાવવાનું નથી એવું માનતા અજય નાયક ઉમેરે છે.
 
"જો ઉત્તર પ્રદેશમાં હાર્દિક ઉચિત પરિણામ ના આપી શકે તો ભવિષ્યમાં એનો કેટલો ઉપયોગ કરવો, ક્યાં કરવો કે નહીં કરવો એ અંગેના સમીકરણો પણ કૉંગ્રેસ અત્યારથી જ નક્કી કરશે."
 
સ્ટાર પ્રચારક એટલે શું?
 
જ્યારે કોઈ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર દરમિયાન ચોક્કસ નેતા કે હસ્તી ઉપર મોટો દાવ લગાવા માગતો હોય ત્યારે તેનું નામ 'સ્ટાર પ્રચારક' તરીકે આપવામાં આવે છે.
 
ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડે, તેના સાત દિવસની અંદર સ્ટાર પ્રચારકોની યાદી રાજ્યના ચૂંટણી અધિકારીને સુપ્રત કરવાની હોય છે અને તેઓ જ યાદી ઉપર મંજૂરીની મહોર મારતા હોય છે.
 
સ્ટાર પ્રચારકોની યાદી અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ હોય શકે છે.
 
રાષ્ટ્રીય પક્ષો મહત્તમ 40, જ્યારે પ્રાદેશિક પક્ષો મહત્તમ 20 નેતાઓના નામ સ્ટાર પ્રચારક તરીકે આપી શકે છે.
 
નહીં નોંધાયેલી સ્થાનિક પાર્ટી પણ મહત્તમ 20 લોકોના નામ સ્ટાર પ્રચારક તરીકે આપી શકે છે.
 
હાર્દિક પટેલ ગુજરાતની જામનગર બેઠક ઉપરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
 
ભાજપે આ બેઠક ઉપરથી વર્તમાન સાંસદ પૂનમબહેન માડમને ઉતાર્યાં છે.
 
સ્ટાર પ્રચારકો પાછળનો ખર્ચ
 
લોકપ્રતિનિધિ ધારાની કલમ 77 હેઠળ ચૂંટણી સંબંધિત ખર્ચ માટે દરેક ઉમેદવારે અલગથી ચાલુ ખાતું ખોલાવવાનું હોય છે અને તેમાંથી જ ચૂંટણી પ્રચારલક્ષી ખર્ચ કરવાનો હોય છે. ચૂંટણી ખર્ચ સંબંધે સર્વોચ્ચ અદાલતે વર્ષ 2016માં ચૂંટણી ખર્ચ શકવર્તી ચુકાદો આપ્યો હતો, જેમાં સ્ટાર પ્રચારકો પાછળનો ખર્ચ કેવી રીતે ગણવો તેને લગતી સ્પષ્ટતા કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વર તથા જસ્ટિસ એ. એમ. સપરેની બૅન્ચે ઠેરવ્યું હતું કે જો પાર્ટીના સ્ટાર પ્રચારકો હેલિકૉપ્ટર કે વિમાનનો ઉપયોગ કરે તો તેને ઉમેદવારના ખાતામાં ન ગણી શકાય.
 
જો સ્ટાર પ્રચારક ઉમેદવારનું નામ લે તો પંડાલ વગેરેના નિર્માણનો ખર્ચ ભોગવવો રહે.જો સ્ટાર પ્રચારક એક કરતાં વધુ ઉમેદવારના નામ લે તો તમામ ઉમેદવારોની વચ્ચે આ ખર્ચ સરખે ભાગે વહેંચી દેવાનો હોય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર