Russia Ukraine War effects- 3 અઠવાડિયામાં ભારતીય રોકાણકારોએ યુક્રેનની જીડીપી કરતાં વધુ મૂલ્યની સંપત્તિ ગુમાવી
સોમવાર, 7 માર્ચ 2022 (10:26 IST)
યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો અને ફુગાવાના ભય હેઠળ ભારતીય શૅરબજારે સળંગ ચોથા સપ્તાહમાં ખોટ નોંધાવી હતી. બ્લુ-ચિપ એનએસઈ નિફ્ટી 50 ઇન્ડેક્સ 1.53% ઘટીને 16,245 પર સેટલ થયો હતો જ્યારે એસ ઍન્ડ પી બીએસઈ સેન્સેક્સ સતત ત્રીજા સત્રમાં 750 પૉઇન્ટથી વધુ ઘટીને 54,333 પર પહોંચ્યો હતો.
મિન્ટના અહેવાલ અનુસાર, યુક્રેન પર રશિયાનું આક્રમણ તેના બીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી સેન્સેક્સમાં લગભગ 3,000 પૉઇન્ટનો ઘટાડો થયો છે.
16મી ફેબ્રુઆરીએ બીએસઈ પર લિસ્ટેડ સ્ટૉકનું માર્કેટ કેપિટલાઇઝેશન 2,62,18,594 કરોડ હતું, જેમાં લગભગ રૂપિયા 15 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું છે, જે યુક્રેનની જીડીપી કરતાં વધુ છે.
ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 76ના સ્તરને પાર કરી ગયો છે. ભારત ક્રૂડ તેલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે અને વધતી કિંમતો તેના વેપાર અને ચાલુ ખાતાની ખાધમાં વધારો કરે છે જ્યારે રૂપિયાને નુકસાન પહોંચાડે છે અને આયાતી ફુગાવાને વેગ આપે છે.