સેબીનો પ્રસ્તાવ મંજુર : સર્વિસ ટેક્ષથી મુક્તિ

સોમવાર, 12 ડિસેમ્બર 2011 (13:54 IST)
શેરબજારના રોકાણકારો માટે એક આનંદના સમાચાર છે. હવેથી શેર બજારના ખેલાડીઓએ તેમના બ્રોકર્સને કરવામાં આવતાં લેટ પેમેન્ટ પર કોઇ સર્વિસ ટેક્ષ ચૂકવવો પડશે નહી. નાણા મંત્રાલયે લાંબા સમયથી તેમની સમક્ષ પડી રહેલા સેબીના પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે. આ અંગે જાણ કરતાં શેર બજારમાં લેટ પેમેન્ટ ચાર્જ પર સર્વિસ ટેક્ષ નહીં ભરવા માટેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શેર બ્રોકર્સ તેમના ગ્રાહકો પર તેમના દ્વારા ખરીદવામાં આવતાં શેરની કિંમત ચૂકવણીમાં કરવામાં આવતાં લેટ પેમેન્ટ પર ભારે દંડની વસૂલાત કરતાં હતા. જોકે આ પ્રકારની ચૂકવણી પર સર્વિસ ટેક્ષ લાગે કે ન લાગે તે અંગે શંકા પ્રવર્તતિ હતી અને તેના કારણે કેટલાક શેર બ્રોકર્સ ગ્રાહકો પાસેથી સર્વિસ ટેક્ષ વસૂલતા હતા જ્યારે કેટલાક શેર બ્રોકર્સ ગ્રાહકો પાસેથી સર્વિસ ટેક્ષ વસૂલતાં નહોંતા.

આ અંગે કેટલાક લોકોએ સેબીમાં અને નાણા મંત્રાલયમાં સ્પસ્ટીકરણ આપવા માટે ફરિયાદ કરી હતી. આ બાબતનું સ્પષ્ટીકરણ કરતાં નાણા મંત્રાલય અને સેબીએ ઉપરોક્ત પરિપત્ર બહાર પાડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો