Rain in Rajkot photo - રાજકોટમાં અધધધ 16 ઈંચ વરસાદ,ધ્રોલમાં 6 કલાકમાં 10 ઇંચ,અમીરગઢના 15 ગામો એલર્ટ

Webdunia
શનિવાર, 15 જુલાઈ 2017 (12:21 IST)
મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ કચ્છ-ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી સાથે ચેતવણી ઉચ્ચારી છે. હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી બાદ ગુજરાતમાં ચારેબાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટમાં ભારે વરસાદથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે.  સૌરાષ્ટ્રના  ધ્રોલ પંથકમાં છ કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળામાં પુરને કારણે નવ ગામમાં જવાના રસ્તા બંધ થઇ ગયા હતાં. 

જામનગર અને  દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદના બીજા રાઉન્ડમાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા વાવેતરનું ધોવાણ થયું છે.  અમીરગઢના 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડ્યા હતા. જ્યારે માઉન્ટમાં દીવાલ પડી જતા બે વ્યક્તિના મોત થયા હતા.

અમીરગઢ તંત્ર દ્વારા 15 ગામોને નદીના પટમાં ન ઉતરવા સૂચના આપી છે. જ્યારે બનાસનદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદના પગલે બનાસ નદીમાં પાણીનું ઘોડાપુર આવતા તેમજ જુનિરોહ ગામ નજીક 10 ગામોને સાંકળતા નદીના પટ પર બનાવેલા રપટ પર પાણી ફરીવળતા 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા.

મોરબી જિલ્લાના ટંકારામાં એક જ દિવસમાં 16 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ  3 કલાકમાં 5 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. અત્યાર સુધી 16 ઈંચ વરસાદ વરસી ગયો છે. આજી ડેમની જળસપાટી 15 ફૂટ અને ન્યારીમાં 18 ઈંચનો વધારો થયો છે.  ટંકારા તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાંથી 70 પરિવારનુ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તેમ કલેક્ટર આઇ. કે. પટેલે જણાવ્યું હતું. મોડીરાત સુધી 120 પરિવારના સ્થળાંતર કરાયા હતા.

તેમણે જણાવ્યું કે ગત તા. 1ના રોજ જે વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યાં આ વરસાદમાં પાણી ભરાવાની પૂરી શક્યતા હોવાના કારણે આ લોકોને અત્યારથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એક નાયબ કલેક્ટર અને એક નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ટંકારની સ્થિતિનું નિરીક્ષણ  કરવા રવાના કરી દેવામાં આવ્યા છે. પટેલે કહ્યું કે રાજકોટની નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની ટીમોને પણ  ટંકારા બોલાવી લેવામાં આવી છે.

આ ઉપરાંત ફાયરબ્રિગેડને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે. ડેમી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ કરવામાં આવ્યા છે.

Next Article